android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dahod : ઈકો, ક્રૂઝર અને બાઈક વચ્ચેના ત્રિપલ અકસ્માતમાં 3 વ્યક્તિનાં કમકમાટીભર્યા મોત

calendar_todayOctober 22, 2026

Dahod : ઈકો, ક્રૂઝર અને બાઈક વચ્ચેના ત્રિપલ અકસ્માતમાં 3 વ્યક્તિનાં કમકમાટીભર્યા મોત

દાહોદ નજીક આવેલા કુશળગઢ અને અલીરાજપુર હાઈવે નંબર 47 પર એક અત્યંત ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક માર્ગ અકસ્માતમાં ઈકો કાર, ક્રૂઝર ગાડી તેમજ એક મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

વાહનોના ફુરચેફુરચા ઊડી ગયા 

કુશળગઢ-અલીરાજપુર હાઈવે નંબર 47 પર સર્જાયેલા આ ત્રિપલ અકસ્માતની તીવ્રતા એટલી ભીષણ હતી કે વાહનોના ફુરચેફુરચા ઊડી ગયા હતા. માર્ગ પર ઈકો કાર, ક્રૂઝર વાહન અને મોટરસાયકલ વચ્ચે સામસામે અત્યંત જોરદાર ટક્કર થઈ હતી. 

બાઇક સળગી ગયું

આ પ્રચંડ ટક્કરના કારણે મોટરસાયકલમાં તરત જ ભીષણ આગ ભભૂકી ઊઠી હતી અને જોતજોતામાં બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. બીજી તરફ, અકસ્માતમાં ઈકો અને ક્રૂઝર બંને ફોરવ્હીલર ગાડીઓનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. વાહનોનો કુરદો બોલી જતાં ઘટનાસ્થળે અત્યંત અરેરાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ત્રણ કમનસીબ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયા

આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેની હાલત અત્યંત નાજુક જણાતી હતી. બનાવ અંગે તાકીદે કટોકટી સેવા 108ને જાણ કરવામાં આવતાં એમ્બ્યુલન્સની ટીમ તાબડતોબ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ થયેલા ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપીને 108 મારફતે તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. 

પોલીસ અને ફાયર વિભાગ પહોંચ્યું

આ ભયાનક અકસ્માત અને આગની ઘટનાની જાણ મળતાં જ સ્થાનિક પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. દાહોદ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા અને અકસ્માતનો ગુનો નોંધીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચો :   Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો