android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dahod:જિલ્લામાં મનરેગાનું જીરામજી, લેબરના રૂા.41 કરોડ ચુકવવાના બાકી

calendar_todayJanuary 1, 2026

Dahod:જિલ્લામાં મનરેગાનું જીરામજી, લેબરના રૂા.41 કરોડ ચુકવવાના બાકી

ભારત સરકારે મનરેગા યોજનાનું નામ તો બદલી નાંખ્યુ છે પરંતુ આ જિલ્લામાં સામુહિક કુવાના કામ અટવાઈ પડયા હોવાનું જાણવા મળ્યુ છે. કારણ કે આશરે 40 કરોડથી વધુ ગરીબ લાભાર્થી શ્રમિકોને ચુકવવાના બાકી છે. 96 લાખ રૂ મટીરીયલ્સના પણ ઝુલી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.દાહોદ જીલ્લામાં વિકસિત ભારત જીરામજી એટલે કે જૂની મનરેગા યોજનામાં કરોડોના કૌભાંડ બાદ વિકાસ કામો અને સ્થાનિક રોજગારી સામે સંકટ ઉભુ થયુ છે.

મનરેગા યોજનામાં કેટલાયે વિકાસ કામો કરી શકાતા હોવા છતાં જિલ્લામાં મનરેગા યોજનામાં 7000થી વધુ સામુહિક કુવાના કામોને જ મંજૂર કરાતા હવે સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિનું સર્જન થયુ છે. કર્મચારી આલમમાં થતી ચર્ચાઓ પ્રમાણે માત્રને માત્ર કુવાના લક્ષ્યાંક માટે જ બદલીઓ કરવામાં આવે છે તેમજ કોન્ટ્રાક્ટયુચલ કર્મચારીઓને નોટીસો આપીને કે છુટા કરવાની ચીમકી આપવામાં આવે છે, તેમ છતાં કુવાના કામોમાં પાણી આવતુ નથી. થોડા સમય પહેલા જ 15 થી 30 ફૂટ ઉંડા કુવામાં ક્યાં કેટલી મશીનરી જોઈએ તેની માહિતી ઓન પેપર માંગવામાં આવી હતી, ત્યારે હવે જિલ્લામાં ઘણે ઠેકાણે મશીનરીનો ઉપયોગ કરી કુવા ખોદવામાં આવી રહ્યા છે અને જવાબદારો દ્રારા જાણી જોઈને આંખ આડા કાન કરાઈ રહ્યા છે. હાલ સૌથી મોટી સમસ્યા એ છે કે ખેતરોમાં રવી પાક માટે ઘઉં અને ચણાનું વાવેતર કરાયુ હોવાથી મશીનો પણ જઈ શકતા નથી. જેથી માનવ ઉત્પન્ન દિવસ પણ ઘટી રહ્યા છે. એક માહિતી મુજબ અત્યાર સુધીમાં 160 જેટલા જ કુવાના કામ પૂર્ણ થયા છે, પરંતુ મટીરીયલ્સ માટે કોઈ એજન્સીઓ જ ઉપલબ્ધ ન હોવાથી મટીરીયલ્સના રૂા.96 લાખ ચુકવી શકાયા નથી. મનરેગા યોજનાના કૌભાંડોમાં મટીરીયલ્સ સપ્લાય એજન્સીઓને પણ આરોપીઓ બનાવતા હવે કોઈ એજન્સીઓ ટેન્ડરીંગ માટે તૈયાર થતી નથી. તેનાથી પણ અતિ ગંભીર બાબત જાણવા મળી છે કે છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં નોંધાયેલા ગરીબ શ્રમિક લાભાર્થીઓને કાંણી પાઈ પણ ચુકવાઈ નથી અને તે રૂા.41 કરોડ જેટલા બાકી છે. તેમ છતાં સરકારી બાબુઓ, સરકારમાં બેઠેલા જવાબદારો અને કેટલાયે સમયથી વામણો બની ગયેલો વિપક્ષ ધૃતરાષ્ટ્ર બની તમાશો જોઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે.

નાના કર્મચારીઓમાં દહેશત

દાહોદમાં મનરેગા કૌભાંડ બહાર આવ્યુ, ત્યારે મોટા હાથીઓ બચી ગયા હતા અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને જેલ ભોગવવા સાથે નોકરી પણ ગઈ. હાલમાં ગમે તેમ કરીને કુવાના લક્ષ્યાંક પૂર્ણ કરવા વોર્નિંગ આપવામાં આવે છે, પરંતુ ભવિષ્યમાં જો ઉલટ તપાસ થાય તો ફરી પાછો નાના કર્મચારીઓનો જ મરો થશે તેવા ભયના ઓથાર હેઠળ કામગીરી કરાઈ રહી છે.

કૂવાના કામ પ્રગતિમાં : તાલુકો : કૂવાની સંખ્યા : દાહોદ - 763, દે. બારીઆ - 611, ધાનપુર - 935, ગરબાડા - 598, ઝાલોદ - 1193, લીમખેડા - 667, સંજેલી - 285, સીંગવડ - 476, કુલ - 6717.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો