android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dang : મહાલપાડામાં રૂ.4.50 લાખના ખર્ચે બનેલું નાળું પ્રથમ વરસાદમાં જ ધોવાયું

calendar_todaySeptember 11, 2026

Dang : મહાલપાડામાં રૂ.4.50 લાખના ખર્ચે બનેલું નાળું પ્રથમ વરસાદમાં જ ધોવાયું

ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયતમાં વિકાસના નામે સરકારી નાણાના વ્યયનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહાલપાડા ગામે 'આપણો તાલુકો, વાયબ્રન્ટ તાલુકો'(ATVT)યોજના હેઠળ વર્ષ 2024-25 દરમ્યાન જાનુભાઈના ખેતરથી ઈશ્વરભાઈના ખેતર તરફ્ જતાં માર્ગ ઉપર આશરે રૂા. 4.50 લાખના ખર્ચે નાળાની કામગીરી કરવામાં આવી હતી. જોકે, ચોમાસાના પ્રથમ વરસાદમાં જ વરસાદી પાણીના વહેણમાં આ નાળુ ધોવાઈ ગયું હતું. જેને પગલે લાખો રૂપિયાના સરકારી નાણાં પાણીમાં ગયાં હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, નિર્માણ કાર્ય ચાલુ હતું ત્યારે જ વપરાતા હલકી ગુણવત્તાના મટીરીયલ અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને મૌખિક રજૂઆતો કરાઈ હતી, છતાં યોગ્ય ચકાસણી કરવામાં આવી નહોતી. જો સરકારી ધારાધોરણો મુજબ યોગ્ય કામગીરી થઈ હોય તો પ્રથમ વરસાદમાં જ આટલું મોટું નુકસાન કેવી રીતે થાય તેવા તીખા સવાલો હાલ ઉઠી રહ્યા છે. પ્રજાના નાણામાંથી થતા વિકાસકામોમાં લોકહિત જળવાય તે માટે સમગ્ર કામગીરીની તટસ્થ ટેક્નિકલ તપાસ, વપરાયેલા મટીરીયલનું પરીક્ષણ અને માપ-માપણી રેકોર્ડની ચકાસણી કરવી અત્યંત જરૂરી બની છે. આહવા તાલુકા વિકાસ અધિકારી(TDO) પોતે મહાલપાડા ગામે સ્થળ મુલાકાત લે અને તપાસમાં ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર ઈજારદાર (કોન્ટ્રાક્ટર) તેમજ બેદરકાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. પ્રથમવરસાદમાં જ ધોવાયેલા આ નાળાએ તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે અને ગુણવત્તા બાબતે ગંભીર આત્મમંથન કરવાની જરૂરિયાત ઊભી કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો