calendar_todayMay 4, 2026
Dang LCBનું મહારાષ્ટ્રમાં સફળ ઓપરેશન: 4 વર્ષથી નાસતો-ફરતો આર્મ્સ એક્ટનો વોન્ટેડ આરોપી સંગમનેરથી ઝડપાયો
ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગંભીર ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ, LCB ડાંગ-આહવાની ટીમે ઓપરેશન પાર પાડીને વોન્ટેડ આરોપી રામદાસભાઈ પરશુરામ રહાણે (ઉંમર વર્ષ 49) ને મહારાષ્ટ્રના સંગમનેર ખાતેથી દબોચી લીધો છે.
ટેકનિકલ સોર્સ અને ચોક્કસ રેકી દ્વારા આરોપીની ધરપકડ
આરોપી રામદાસ રહાણે વિરુદ્ધ વર્ષ 2022માં સાપુતારા પોલીસ મથકે IPCની કલમ 342, 114 તથા આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ધરપકડથી બચવા માટે આરોપી સતત પોતાની ઓળખ છુપાવતો હતો. જોકે ડાંગ LCBની ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રના નાશિક અને સંગમનેર વિસ્તારમાં સતત રેકી કરી હતી અને આખરે ચોક્કસ લોકેશન મળતા પોલીસે છાપો મારીને આરોપીને તેના વતન સંગમનેરથી ઝડપી પાડ્યો હતો.
આરોપીને વધુ તપાસ માટે સાપુતારા પોલીસને સોંપાયો
લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલા આ આરોપીની ધરપકડ બાદ ડાંગ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીને હાલ સાપુતારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જ્યાં તેની સઘન પૂછપરછ કરવામાં આવશે. આ કામગીરી દ્વારા ડાંગ પોલીસે ગુનાખોરી ડામવા અને નાસતા-ફરતા અપરાધીઓને પકડવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો