android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Deesa News: શુદ્ધ ઘીના નામે છેતરપિંડી, ત્રણ પેઢીઓ પર ફૂડ વિભાગના દરોડામાં 1444 કિલો શંકાસ્પદ ઘી જપ્ત

calendar_todayMay 11, 2026

Deesa News: શુદ્ધ ઘીના નામે છેતરપિંડી, ત્રણ પેઢીઓ પર ફૂડ વિભાગના દરોડામાં 1444 કિલો શંકાસ્પદ ઘી જપ્ત

ડીસા શહેરમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળિયું ઘી વેચાતું હોવાની બાતમીને આધારે બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ત્રણ અલગ-અલગ પેઢીઓ પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બજારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી વેચાઈ રહેલા આ ઘીના જથ્થાને તાત્કાલિક અસરથી સીઝ કરવામાં આવ્યો છે.

8.28 લાખનું ઘી અને જાણીતી બ્રાન્ડ્સના પેકિંગ જપ્ત

ફૂડ વિભાગે આ દરોડા દરમિયાન કુલ 1444 કિલો શંકાસ્પદ ઘી કબજે કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે 8,28,490 રૂપિયા આંકવામાં આવી છે. તપાસ દરમિયાન 'પરિવાર કાઉ ઘી', 'કવિરાજ કાઉ ઘી' અને 'શ્રેષ્ઠ કાઉ ઘી' જેવી વિવિધ બ્રાન્ડના નામે વેચાતા ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ બ્રાન્ડ્સના નામે શુદ્ધ ગાયના ઘી તરીકે માર્કેટમાં વેચાણ કરવામાં આવતું હતું.

નમૂના FSLમાં મોકલાયા, વેપારીઓમાં ફફડાટ

ફૂડ વિભાગે જપ્ત કરેલા ઘીના જથ્થામાંથી નમૂના લઈ તેને પૃથક્કરણ માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) માં મોકલી આપ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ આ ઘીમાં કયા પ્રકારની ભેળસેળ કરવામાં આવી હતી તે સ્પષ્ટ થશે. ફૂડ વિભાગની આ કડક કાર્યવાહીને પગલે ભેળસેળ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો