calendar_todayMarch 10, 2026
Defence Minister રાજનાથ સિંહે ભવિષ્ય માટે તૈયાર કરાયેલો ભારતીય સેનાનો રોડમેપ કર્યો જાહેર
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે 10 માર્ચ, 2026ના રોજ નવી દિલ્હીના સાઉથ બ્લોકમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન 'ડિફેન્સ ફોર્સેજ વિઝન 2047 : ભવિષ્ય માટે તૈયાર ભારતીય સેના' નામના બુક લોન્ચ કરી. આ વ્યાપક રૂપરેખાને ડિફેન્સ સ્ટાફ હેડક્વાર્ટર તરફથી તૈયાર કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ ભારતના રક્ષા બળોને આધુનિક, એકીકૃત અને ટેક્નોલોજી આધારિત સેનામાં પરિવર્તિત કરવાનો છે, જેથી 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવામાં સહયોગ મળી શકે.
પરિવર્તનોની વિગતવાર રૂપરેખા રજૂ કરવામાં આવી
આ વિઝન દસ્તાવેજમાં ભૂરાજકીય, ટેક્નોલોજીકલ અને સુરક્ષા સંબંધિત બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સેનામાં જરૂરી વ્યૂહાત્મક સુધારા, ક્ષમતામાં વધારો અને સંગઠનાત્મક પરિવર્તનોની વિગતવાર રૂપરેખા રજૂ કરવામાં આવી છે. તેમાં સેનાને વધુ સંકલિત અને કાર્યક્ષમ બનાવવાની સાથે સાથે બદલાતી વૈશ્વિક અને પ્રાદેશિક પડકારો સામે દેશની સુરક્ષા મજબૂત બનાવવાનો દૃષ્ટિકોણ રજૂ થયો છે.
ત્રણેય સેનાઓ વચ્ચે સંકલન અને સહકાર વધારવા પર ખાસ ભાર
દસ્તાવેજમાં ત્રણેય સેનાઓ વચ્ચે સંકલન અને સહકાર વધારવા પર ખાસ ભાર મુકાયો છે, જેથી યોજના, કામગીરી અને ક્ષમતાના વિકાસમાં વધુ અસરકારકતા લાવી શકાય. સાથે જ ભવિષ્યના યુદ્ધને ધ્યાનમાં રાખીને નવી ટેક્નોલોજી, નવીનતા અને આધુનિક તાલીમ પદ્ધતિઓને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ ઉપરાંત રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા માટે સ્વદેશી ટેક્નોલોજી અને ઉકેલોના વિકાસને પ્રોત્સાહન આપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આથી દેશના રક્ષા ઉત્પાદન ક્ષેત્રને મજબૂતી મળશે અને રાષ્ટ્રીય વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન મળશે.