calendar_todayMay 8, 2026
Delhi Police: દિલ્હીનું ઐતિહાસિક મંદિર અને સોનીપતનુ ઢાબુ આતંકીઓના નિશાને, 9ની ધરપકડ
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાકિસ્તાન પ્રેરિત આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરીને એક મોટી દુર્ઘટના ટાળી છે. પાકિસ્તાની આતંકી હેન્ડલર 'શહઝાદ ભટ્ટી મોડ્યુલ'ના 9 સભ્યોની ધરપકડ બાદ પૂછપરછમાં જે વિગતો સામે આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. આ આતંકીઓના નિશાના પર દિલ્હીનું ઐતિહાસિક મંદિર અને હરિયાણાના મહત્વના સૈન્ય મથકો હતા.
દિલ્હીનું પ્રસિદ્ધ મંદિર અને સૈન્ય કેમ્પ હતા ટાર્ગેટ પર
સ્પેશિયલ સેલની તપાસમાં બહાર આવ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના ઈશારે આ મોડ્યુલ દિલ્હીના એક પ્રાચીન અને ઐતિહાસિક મંદિરમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હતું. આતંકીઓએ આ મંદિરની રેકી પણ કરી લીધી હતી અને તેના વીડિયો તથા ફોટા પાકિસ્તાનમાં બેઠેલા આકાઓને મોકલ્યા હતા. તેમનો ઈરાદો મંદિરની સુરક્ષામાં તૈનાત જવાનો પર અંધાધૂંધ ગોળીબાર કરી દહેશત ફેલાવવાનો હતો.
સોનીપતનો પ્રખ્યાત ઢાબો પણ નિશાના પર
આતંકીઓના પ્લાનિંગમાં માત્ર ધાર્મિક સ્થળો જ નહીં, પણ ભીડભાડવાળી જગ્યાઓ પણ સામેલ હતી. દિલ્હી-સોનીપત હાઈવે પર આવેલ એક અત્યંત લોકપ્રિય ઢાબુ કે જ્યાં રોજ હજારોની સંખ્યામાં લોકો આવે છે, ત્યાં ગ્રેનેડ ફેંકીને સામૂહિક નરસંહાર કરવાની તેમની યોજના હતી.
સૈન્ય મથકો અને પોલીસ સ્ટેશનની પણ કરી હતી રેકી
પકડાયેલા આતંકીઓએ કબૂલાત કરી છે કે તેઓએ હરિયાણાના હિસારમાં આવેલા મિલિટરી કેમ્પની જાસૂસી કરી હતી અને તેના વીડિયો હેન્ડલર્સને મોકલ્યા હતા. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના કેટલાક પોલીસ સ્ટેશનો પણ તેમની હિટ લિસ્ટમાં સામેલ હતા.
ઓપરેશનની વિગતો
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આ મોડ્યુલના 9 સભ્યોને અત્યાધુનિક હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા. આ ધરપકડને કારણે દેશમાં લોહીલુહાણ ખેલ ખેલવાની પાકિસ્તાની સાઝિશ નિષ્ફળ રહી છે. હાલ પોલીસ આ આતંકીઓના નેટવર્ક અને અન્ય સ્લીપર સેલ વિશે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો- Shani Amavasya 2026: 16મેએ શનિનું મહાગોચર, 5 રાશિની તિજોરી ભરાશે એ નક્કી !