calendar_todaySeptember 9, 2026
Dhandhuka: બાવળાના રજોડા ગામની સીમમાંથી રૂ.13.31 લાખનો દારૂ ઝડપાયો
અમદાવાદ જિલ્લા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક ટ્રકમાંથી બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.
પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રજોડા ગામની સીમમાં અમદાવાદ-રાજકોટ હાઇવે નજીક હનુમાનજી માર્બલ એન્ડ આર્ટના ખુલ્લા કંપાઉન્ડમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની અલગ-અલગ બ્રાન્ડની કુલ 259 પેટીઓમાંથી 5,496 બોટલ-ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 13,31,400 હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઉપરાંત પોલીસે દારૂના જથ્થા સાથે આયસર ટ્રક, જ્યુપીટર સ્કૂટર તથા ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 24,46,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે ચિંતનસિંહ ઉર્ફે ચિન્ટુ દિલીપસિંહ રાઠોડ, રમેશચંદ્ર ઉર્ફે રમેશ સ/ઓ નકુડા લખુમ્બરા અને કીશન રામેન્દ્ર ગુર્જર એમ કુલ ત્રણ આરોપીને ઝડપી પાડયા છે. દરોડાની સમગ્ર કાર્યવાહી એલસીબીના PSI આર.બી. રાઠોડ તથા સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો