calendar_todayMarch 28, 2026
Dhoraji News: ખાનગી ટ્રાવેલ્સ પલટી જવાની ઘટનાના ભયાનક CCTV આવ્યા સામે
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જેતપુર રોડ પર ગત રાત્રે સર્જાયેલા ખાનગી ટ્રાવેલ્સના ગમખ્વાર અકસ્માતના ચોંકાવનારા દ્રશ્યો સીસીટીવી (CCTV) મારફતે સામે આવ્યા છે. પાટણ જિલ્લાથી મુસાફરો ભરીને ધોરાજી પરત ફરી રહેલી બસને નડેલા આ અકસ્માતનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ દુર્ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતના સીસીટીવી આવ્યા સામે
જેતપુર રોડ પર આવેલા જીઓ પેટ્રોલ પંપની બરાબર સામે આ અકસ્માત સર્જાયો હતો. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, લક્ઝરી બસે પલટી મારતા પહેલા રોડ પર જઈ રહેલી બે મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. બાઈક સવારોને અડફેટે લીધા બાદ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આખી બસ રોડ પર પલટી મારી ગઈ હતી. રાત્રિના સમયે થયેલા આ અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોના ટોળેટોળા બચાવ કામગીરી માટે ઉમટી પડ્યા હતા.
અકસ્માતમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતુ
અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દિવસ દરમિયાન સામે આવેલા વીડિયોમાં અકસ્માતની તીવ્રતા સ્પષ્ટ દેખાઈ રહી છે, જેમાં બસ પલટી ખાતા પહેલા બાઈક સવારો કેવી રીતે અડફેટે આવ્યા તે જોઈ શકાય છે. ધોરાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી, અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પાટણથી ધોરાજીના પ્રવાસે ગયેલા મુસાફરો માટે આ સફર અત્યંત લોહિયાળ સાબિત થઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો