calendar_todayJanuary 8, 2026
Dwarka News: સલાયામાં લગ્નની જાનમાં આખલો ઘુસ્યો, 8 થી 10 લોકો ઇજાગ્રસ્ત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં રખડતા ઢોરના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન નીકળેલી જાનમાં અચાનક એક આક્રમક આખલો ઘુસી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં જાનમાં આવેલા મહેમાનો અને સ્થાનિકો મળી અંદાજે 8 થી 10 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.
ખુશીનો પ્રસંગ અફરાતફરીમાં ફેરવાયો
મળતી માહિતી મુજબ, સલાયામાં જ્યારે લગ્નની જાન વાજતે-ગાજતે નીકળી રહી હતી, ત્યારે અચાનક ક્યાંકથી એક રઘવાયેલો આખલો જાનની વચ્ચે દોડી આવ્યો હતો. આખલાએ શિંગડા મારતા અને દોડધામ કરતા જાનમાં સામેલ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ઇજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેમને વધુ સારવાર આપવામાં આવી રહી છે. રખડતા ઢોરના આતંકના કારણે લગ્ન જેવો મંગળ પ્રસંગ ડરમાં ફેરવાઈ ગયો હતો. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે નગરપાલિકા અને તંત્ર દ્વારા રખડતા ઢોરના ડબ્બે પૂરવાની કામગીરી સત્વરે કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.