calendar_todayMarch 20, 2026
Dwarkaના ખંભાળીયામાં તસ્કરોનો 'પાવર' શો: PGVCLના સ્ટોરમાંથી 7.77 લાખના એલ્યુમિનિયમ વાયરની સનસનીખેજ ચોરી
જામ ખંભાળીયામાં તસ્કરોએ સરકારી મિલકતને નિશાન બનાવી પોલીસ તંત્રને પડકાર ફેંક્યો છે. પોરબંદર રોડ પર આવેલી PGVCL કચેરીના સ્ટોરમાં રાત્રિના અંધકારનો લાભ લઈ તસ્કરો ત્રાટક્યા હતા. અજાણ્યા તસ્કરોએ સ્ટોરના સુરક્ષા કવચને ભેદીને અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજે પોણા આઠ લાખ રૂપિયા થી વધુની કિંમતના વાયરના જથ્થાની ચોરી કરી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
આઠ લાખથી વધુની ચોરીને આપ્યો અંજામ
ચોરીની આ ઘટનાની વિગત એવી છે કે, તસ્કરો સ્ટોરમાંથી જૂના એલ્યુમિનિયમ વાયરના કુલ 12 મોટા ગુંચડા ઉઠાવી ગયા છે. આ વાયરનું કુલ વજન આશરે 3700 કિલો જેટલું થવા જાય છે, જેની બજાર કિંમત અંદાજે રૂ.7,77,000 આંકવામાં આવી છે. આટલી મોટી માત્રામાં અને વજનદાર મુદ્દામાલની ચોરી કરવા માટે તસ્કરોએ કોઈ મોટા વાહનનો ઉપયોગ કર્યો હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.
પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુન્હો નોંધ્યો
PGVCLના સ્ટોરમાં થયેલી આ હિંમતભરી ચોરીને પગલે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. PGVCL અધિકારીની ફરિયાદના આધારે જામ ખંભાળીયા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસી રહી છે જેથી આ આખી ઘટના પાછળ કઈ ગેંગનો હાથ છે તેનો પર્દાફાશ કરી શકાય.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો