calendar_todayFebruary 6, 2026
Education News : CBSE સ્કૂલમાં શિક્ષક માટેની CTET પરીક્ષા 7 અને 8 ફેબ્રુઆરીએ યોજાશે
આ પરીક્ષા માટે દેશભરમાંથી અંદાજે ૨૭ લાખથી વધુ ઉમેદવાર નોંધાયા છે. ઉમેદવારોની સંખ્યામાં વધારો થતાં તા.૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર આ પરીક્ષા હવે બે દિવસ લેવાનુ નક્કી કરાયુ છે. સમગ્ર દેશના ૧૪૦ જેટલા શહેરમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સમગ્ર દેશમાંથી પરીક્ષા માટે ૨૫,૩૦,૫૮૧ ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા.
પોર્ટલ પર પોતાની અરજી સબમીટ કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી
જે પૈકી છેલ્લા બે દિવસમાં જ ૭,૬૮,૧૯૯ ફોર્મ ભરાયા હોવાનું જણાયું હતું. ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ બોર્ડ સમક્ષ રજૂઆતો આવી હતી કે, ઘણા ઉમેદવારો પોતાના ફોર્મ સબમિટ કરી શક્યા નથી. જેથી બોર્ડ દ્વારા વધુ સમીક્ષા કરતા જાણવા મળ્યું હતું કે, ૧,૬૧,૧૨૭ ઉમેદવારોના ફોર્મ અધુરા ભરેલા તથા ભરાયા બાદ ફાઈનલ સબમિટ થયા ન હોવાનું જણાયું હતું. જેથી તેમને તક આપવાનું નક્કી કરાયું હતું અને ૩૦ ડિસેમ્બર સુધી તેઓ પોર્ટલ પર પોતાની અરજી સબમીટ કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
5 વાગ્યા દરમિયાન પેપર-1ની પરીક્ષા લેવાશે
આમ, આ કાર્યવાહી પુર્ણ થયા બાદ ૨૭ લાખ કરતા પણ વધુ ઉમેદવારો CTET પરીક્ષા માટે નોંધાયા હોવાથી એક જ દિવસમાં પરીક્ષા યોજવામાં આવે તો મુશ્કેલી થઈ શકે તેમ હોવાનું જણાતા બોર્ડ દ્વારા CTETની પરીક્ષા બે દિવસમાં યોજવાનો નિર્ણય કર્યો છે. ૭ફેબ્રુઆરીના રોજ સવારે ૯:૩૦થી ૧૨ વાગ્યા દરમિયાન પેપર-૨ની પરીક્ષા અને ૨:૩૦ વાગ્યાથી ૫ વાગ્યા સુધી પેપર-૧ની પરીક્ષા લેવાશે. જ્યારે ૮ ફેબ્રુઆરીના રોજ સવારે ૯-૩૦ વાગ્યાથી ૧૨ વાગ્યા દરમિયાન પેપર-૨ની પરીક્ષા અને ૨:૩૦ વાગ્યાથી પ વાગ્યા દરમિયાન પેપર-૧ની પરીક્ષા લેવાશે.