calendar_todayMay 9, 2026
Fire Incident: સેલવાસ રિંગ રોડ પર ઉભેલા CNG ટેમ્પોમાં ધડાકા સાથે લાગી ભીષણ આગ, ટેમ્પો બળીને ખાખ
દાદરા નગર હવેલીના મુખ્ય મથક સેલવાસમાં આજે આગની એક ગંભીર ઘટના સામે આવી છે. સેલવાસના વ્યસ્ત ગણાતા રિંગ રોડ પર પાર્ક કરેલા એક CNG ટેમ્પોમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટેમ્પો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે.
ધડાકા સાથે ફાટી નીકળી આગ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રિંગ રોડ પર ઉભેલા ટેમ્પોની નીચે પહેલા બેથી ત્રણ નાના બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટ બાદ તુરંત જ ટેમ્પોએ આગ પકડી લીધી હતી. ટેમ્પોમાં CNG કિટ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં આખો ટેમ્પો આગની લપેટમાં આવી ગયો હતો અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ
આગ લાગવાની જાણ થતા જ સેલવાસ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં ટેમ્પોનો મોટો હિસ્સો બળી ગયો હતો. આગને પગલે આસપાસના વાહન ચાલકો અને રાહદારીઓમાં થોડો સમય ફફડાટ જોવા મળ્યો હતો.
મોટી દુર્ઘટના ટળી
સદનસીબે જ્યારે આગ લાગી ત્યારે ટેમ્પોમાં કોઈ સવાર નહોતું, જેના કારણે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. શોર્ટ સર્કિટ અથવા ગેસ લીકેજના કારણે આ બ્લાસ્ટ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - Silvassa બ્લાસ્ટ કાંડ, સાંસદ ઉમેશ પટેલ એક્શનમાં, ઘાયલોની મુલાકાત લઈ ન્યાયિક તપાસની કરી માગ