calendar_todayMay 9, 2026
Gandhinagar: જનગણના માટે 1 જૂનથી 3173 કર્મીઓ મેદાને ઉતરશે
રાજ્યમાં વસતી ગણતરીની પ્રક્રિયા પહેલી જૂનથી હાથ ધરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 1થી 30 જુન દરમિયાન હાઉસ લિસ્ટિંગની કામગીરી કરાશે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં સમગ્ર પ્રક્રિયામાં 3173 કર્મચારીઓ-અધિકારીઓ કામગીરી કરશે. ગાંધીનગર શહેર સહિત જિલ્લામાં કુલ 2726 ગણતરીદારો ગણતરીની ખરી કામગીરી કરશે. જેમની ઉપર 447 સુપરવાઈઝરોનું માર્ગદર્શન રહેશે. વસ્તી ગણતરીની શરૂઆત કરતાં પહેલાં કર્મચારીઓને સઘન તાલીમ આપવામાં આવશે.
દેશમાં છેલ્લે 2011માં વસ્તી ગણતરી થઈ હતી, જે બાદ 2021માં વસ્તી ગણતરી થવાની હતી. પરંતુ કોરોનાની મહામારીને કારણે કામગીરી શક્ય બની ન હતી.ત્યારે હવે વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરીને બે તબક્કામાં 2027 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જોકે આ વખતની ગણતરી સંપૂર્ણ ડિજિટલ હશે.જેમાં મોબાઈલ એપ દ્વારા માહિતી એકઠી કરાશે. મોબાઈલ એપ, પોર્ટલ અને રિયલ ટાઈમ ડેટા ટ્રાન્સફરથી વસ્તી ગણતરીની મોટાભાગની કામગીરી પેપરલેસ બની રહેશે. સમગ્ર કામગીરીને લઈને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 925 ગણતરીદારો અને 144 સુપરવાઈઝરોને કામગીરી સોંપાઈ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારો અને પાલિકા વિસ્તારોમાં 303 સુપરવાઈઝર્સના માર્ગદર્શનમાં રિઝર્વ સ્ટાફ સહિત 1801 ગણતરીદારોને કામગીરી સોંપાઈ છે. જે અંતર્ગત ગાંધીનગર તાલુકાના 48 ગામોમાં 340 ગણતરીદારો, 57 સુપરવાઈઝર,માણસા તાલુકાના 60 ગામમાં 367 ગણતરીદારો, 61 સુપરવાઈઝર,માણસા પાલિકાના 7 વોર્ડમાં 87 ગણતરીદાર, 14 સુપરવાઈઝર,દહેગામ તાલુકાના 92 ગામમાં 388 ગણતરીદાર, 65 સુપરવાઈઝર,દહેગામ પાલિકાના 7 વોર્ડમાં 76 ગણતરીદાર, 13 સુપરવાઈઝર,કલોલ તાલુકાના 51 ગામમાં 273 ગણતરીદાર, 45 સુપરવાઈઝર જ્યારે કલોલ પાલિકા વિસ્તારમાં 262 ગણતરીદાર, 44 સુપરવાઈઝરને જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત કલોલ અને છત્રાલ ઈન્ડસ્ટ્રીયલ એરિયા માટે આઠ જેટલા ગણતરીદાર અને 4 સુપરવાઈઝર વસ્તી ગણતરીની કામગીરીમાં જોતરાશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો