android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar : કચ્છ રણોત્સવમાં પ્રવાસીઓનું ઘોડાપૂર,10.41 લાખથી વધુ સહેલાણીઓ પહોંચ્યા, ક્રાફ્ટ સ્ટોલની આવક 73% વધી

calendar_todaySeptember 10, 2026

Gandhinagar : કચ્છ રણોત્સવમાં પ્રવાસીઓનું ઘોડાપૂર,10.41 લાખથી વધુ સહેલાણીઓ પહોંચ્યા, ક્રાફ્ટ સ્ટોલની આવક 73% વધી

કચ્છનું વિશ્વપ્રસિદ્ધ સફેદ રણ ફરી એકવાર પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ બન્યું છે. વર્ષ 2025-26ના રણોત્સવ દરમિયાન 10.41 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હોવાનું પ્રવાસન રાજ્ય મંત્રી જયરામભાઈ ગામીતે વિધાનસભામાં જણાવ્યું છે. તેમાં 10.39 લાખથી વધુ સ્થાનિક પ્રવાસીઓ ઉપરાંત 2,178 વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.

10 લાખથી વધુ પ્રવાસીઓ, રણોત્સવનો ક્રેઝ યથાવત

સરકારના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2005થી શરૂ થયેલો રણોત્સવ હવે માત્ર 3 દિવસનો કાર્યક્રમ ન રહેતા 4 મહિનાના વિશ્વના સૌથી લાંબા ઉત્સવોમાં સ્થાન પામ્યો છે. રણોત્સવના કારણે કચ્છનું સફેદ રણ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ બની રહ્યું છે.

સ્થાનિક કલાકારો માટે પણ રણોત્સવ બન્યો કમાણીનું મોટું માધ્યમ

રણોત્સવની અસર માત્ર પ્રવાસન પૂરતી સીમિત રહી નથી. સ્થાનિક કલાકારો, સખી મંડળો અને હસ્તકલા સાથે સંકળાયેલા લોકોને પણ તેનો આર્થિક લાભ મળ્યો છે. વર્ષ 2025-26માં ક્રાફ્ટ સ્ટોલ તથા સખી શક્તિ દ્વારા સંચાલિત સ્ટોલની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા 4,12,423 રહી હતી, જે અગાઉના વર્ષની સરખામણીએ 77.96%નો વધારો છે.

સ્ટોલ્સની આવક રૂ.6.99 કરોડથી વધીને રૂ.12.11 કરોડ થઈ

આ સ્ટોલ્સની આવક રૂ.6.99 કરોડથી વધીને રૂ.12.11 કરોડ થઈ છે, એટલે કે આવકમાં 73.30%નો વધારો નોંધાયો છે. ફૂડ સ્ટોલ ધારકોની આવકમાં પણ 33.96%નો વધારો થયો છે.

સાંસ્કૃતિક કાર્યક્રમો અને થીમ પેવેલિયને પણ ખેંચ્યા પ્રવાસીઓ

રણોત્સવ દરમિયાન વિવિધ આકર્ષણોમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 58,679 મુલાકાતીઓ, થીમ પેવેલિયનમાં 1,35,366, ફન ઝોન અને ચિલ્ડ્રન એક્ટિવિટીમાં 19,812, લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં 1,08,315 અને ફૂડ સ્ટોલ પર 2,31,786 મુલાકાતીઓ નોંધાયા હતા.

ધોરડોમાં પ્લાસ્ટિક ફ્રી ઝોન, પ્રવાસીઓ માટે નવી સુવિધા

UNWTO દ્વારા શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજ તરીકે ઓળખાયેલા ધોરડોમાં પ્રવાસીઓની સુવિધા અને પર્યાવરણ જાળવણી માટે પણ પગલાં લેવાયા છે. ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા સબરસ પાર્કિંગથી વોચ ટાવર સુધી ‘હોપ ઓન હોપ ઓફ’ બસ સેવા શરૂ કરવામાં આવી છે.

ટેન્ટ સિટીને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યું

ટેન્ટ સિટીને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યું છે. કાચની બોટલમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા ઉપરાંત સફેદ રણની નિયમિત સ્વચ્છતા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આંકડા દર્શાવે છે કે રણોત્સવ હવે માત્ર પ્રવાસીઓના મનોરંજનનો ઉત્સવ નથી રહ્યો, પરંતુ કચ્છના સ્થાનિક અર્થતંત્ર અને હસ્તકલાને નવી ઓળખ આપતું મોટું પ્લેટફોર્મ બની રહ્યો છે.   


આ પણ વાંચો   :    Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું