android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar : વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે, ગયા વર્ષે રેકોર્ડબ્રેક 22.17 કરોડ પ્રવાસીઓ આવ્યા

calendar_todayMarch 10, 2026

Gandhinagar : વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે, ગયા વર્ષે રેકોર્ડબ્રેક 22.17 કરોડ પ્રવાસીઓ આવ્યા

વિધાનસભામાં પ્રવાસન વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે દાયકા પહેલા રોપેલું ‘ખુશ્બુ ગુજરાત કી’નું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. રાજ્ય સરકારની પ્રો-એક્ટિવ નીતિઓના પરિણામે ગત વર્ષે રેકોર્ડબ્રેક 22.27 કરોડ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી છે. વિધાનસભા ગૃહમાં પ્રવાસન પ્રભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૦૧-૦૨માં પ્રવાસનનું બજેટ માત્ર રૂ.૧૨ કરોડ હતું

મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧-૦૨માં પ્રવાસનનું બજેટ માત્ર રૂ.૧૨ કરોડ હતું, જે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વધીને રૂ. ૨૧૦૧.૦૨ કરોડ થયું છે. જ્યારે સમગ્ર પ્રવાસન પ્રભાગ એટલે કે, પ્રવાસન, દેવસ્થાન વ્યવસ્થાપન, નાગરિક ઉડ્ડ્યન અને યાત્રાધામ વિકાસ માટે કુલ રૂ. ૩૦૮૯.૬૩ કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના યાત્રાધામોને હવે ‘સ્માર્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટીનેશન’ તરીકે વિકસાવીને ગુજરાતને શ્રેષ્ઠ યજમાન તરીકે પ્રસ્થાપિત કરવામાં આવશે.

કચ્છ-રાજકોટ VGRCમાં રૂ. ૧૫૨૭ કરોડના સૂચિત રોકાણ માટે MoU

પ્રવાસન ક્ષેત્રે ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા તેમજ પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા રાજ્ય સરકારે મહેસાણા અને રાજકોટ સમિટ દ્વારા મોટા પાયે MoU કર્યા છે, તેમ મંત્રીએ જણાવ્યું હતું. તેમણે આ સંદર્ભે ઉમેર્યું હતું કે, પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે મહેસાણા VGRCમાં રૂ. ૧૨૩૬ કરોડના રોકાણ તથા કચ્છ-રાજકોટ VGRCમાં રૂ. ૧૫૨૭ કરોડના સૂચિત રોકાણ માટે MoU કરવામાં આવ્યા છે.

ગુજરાત-ટુર ડેવલપમેન્ટ કંપનીની સ્થાપના થશે

આ ઉપરાંત PPP મોડ અને કોર્પોરેટ કાર્યશૈલી માટે ચાલુ વર્ષના બજેટમાં 'ગુજરાત-ટુર ડેવલપમેન્ટ કંપની' (SPV) અને “ગુજરાત પ્રવાસન એડવાઇઝરી કાઉન્સિલ”ની સ્થાપના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી

મંત્રીએ કહ્યું કે, સોમનાથ મંદિર પરના પ્રથમ આક્રમણના ૧૦૦૦ વર્ષ અને સરદાર પટેલના જીર્ણોદ્ધાર સંકલ્પના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. સમગ્ર દેશ આ શૌર્ય અને સંઘર્ષના ઇતિહાસને યાદ રાખી શકે તે માટે વડાપ્રધાનના માર્ગદર્શનમાં તાજેતરમાં જ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગત વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, નવરાત્રી મહોત્સવ, રણ મહોત્સવ, સાપુતારા મોન્સુન ફેસ્ટીવલ અને માધવપુર મેળાનું ઐતિહાસિક આયોજન કર્યું હતું.

સરદાર પટેલની શાળા વિકસાવાશે

મંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં તેમની શાળા N.K. હાઈસ્કૂલ-નડિયાદને હેરિટેજનો દરજ્જો આપીને વિકસાવવા માટે રૂ. ૫ કરોડની જોગવાઈ કરાઈ છે.

મહાશિવરાત્રીનો ભવ્ય મેળો

જૂનાગઢ ખાતે યોજાતા મહાશિવરાત્રીના ભવ્ય મેળાને ગુજરાતનો કુંભ મેળો ગણાવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગિરનારની તળેટીમાં ભરાતા પરંપરાગત મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે રૂ. ૧૫ કરોડ ફાળવવામાં આવ્યા છે.ભારત સરકારના 'ઇન્ડિયા ટુરીઝમ ડેટા કમ્પેન્ડીયમ-૨૦૨૫' મુજબ ગુજરાત આજે વિદેશી પ્રવાસીઓની પસંદગીમાં દેશમાં ત્રીજા ક્રમે છે, જે રાજ્યની મજબૂત પ્રવાસન નીતિ અને સુરક્ષિત વાતાવરણની પ્રતીતિ કરાવે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.



આ પણ વાંચો -----    Vadodara: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત, માગ કરતા સપ્લાય અડધો થતા વેટિંગ લિસ્ટ લંબાયું