android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: તા. પં.માં 3.56 કરોડના 143 જેટલા વિકાસ કામોને મંજૂરી

calendar_todayMarch 10, 2026

Gandhinagar: તા. પં.માં 3.56 કરોડના 143 જેટલા વિકાસ કામોને મંજૂરી

ગાંધીનગર તાલુકા પંચાયતમાં આજે ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં 3.56 કરોડથી વધુના 143 જેટલા કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેને દ્વારા 2.06 કરોડમાં 91 જેટલા કામો સૂચવાયા છે. જ્યારે સભ્યો દ્વારા 1.50 કરોડથી વધુના બાવન જેટલા કામો સૂચવવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે, ચૂંટણીની જાહેરાત બાદ નવા કામોને હાથ ધરી શકાશે નહીં જેને પગલે તે પહેલાં જ કામોને મંજૂર કરી દેવા ખાસ સામાન્ય સભા બોલાવાઈ હતી.

સામાન્ય સભામાં વિરેન્દ્રસિંહ વાઘેલાએ આક્ષેપ કર્યો હતો કે હાલ તાલુકામાં કોન્ટ્રાક્ટર્સના હાથમાં શાસન હોવાનું લાગી રહ્યું છે, વર્ક ઓર્ડર બારોબાર કોન્ટ્રાક્ટર્સ લઈ જાય છે અને સભ્યો દ્વારા જગ્યાના માપ સહિતની બાબતે ફોન કરવામાં આવે તો જવાબ આપવામાં આવતો નથી. જેને પગલે તંત્ર દ્વારા કહેવાયું હતું કે, તાલુકા કચેરીમાં સરપંચોને સીધા વર્ક ઓર્ડર અપાય છે, છતાં આવી કોઈ બાબત હોય તો સભ્યોને ધ્યાન દોરવાનું કહેવાયું હતુ. જેને પગલે પ્રમુખે સૂચન કર્યું હતું કે જે-તે વિસ્તારના સભ્યોને જાણ કરીને જ વર્ક ઓર્ડર આપવામાં આવે તે જરૂરી છે. ગાંધીનગર તાલુકા પંચાયત પ્રમુખ મહોબતજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને આજે ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં ગત સભાની કાર્યવાહી નોંધને બહાલી અપાઈ હતી. આ ઉપરાંત વર્ષ 2025-26ના બજેટમાં વિકાસના કામો અંગે કરેલી જોગવાઈ મુજબ બચત રકમમાંથી વિકાસના કામોનું આયોજન કરાયું છે. જે મુજબ પ્રમુખ મહોબતજી ઠાકોર અને સ્ટેન્ડિંગ ચેરમેન પુજાબેન પટેલ દ્વારા 2.06 કરોડના 91 જેટલા કામો સૂચવવામાં આવ્યા છે. આ ઉપરાંત સભ્યો દ્વારા સૂચવવામાં આવેલા બાવન જેટલા કામોને મંજૂર કરવામાં આવ્યા છે. બાવન કામોમાં 83.25 લાખના પ્રાથમિક શાળાને લગતા 24 કામ, 27 લાખના આરોગ્યને લગતા 10 કામ જ્યારે 40 લાખના આંગણવાડીને લગતાં 18 જેટલા કામનો સમાવેશ થાય છે. એટલે કુલ 3.56 કરોડથી વધુના 143 જેટલા કામોને સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો