android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: જિલ્લામાં શિયાળુ વાવેતરમાં 3400 હેક્ટરનો ઘટાડો

calendar_todayJanuary 12, 2026

Gandhinagar: જિલ્લામાં શિયાળુ વાવેતરમાં 3400 હેક્ટરનો ઘટાડો

ગાંધીનગર જિલ્લામાં આ વર્ષે શિયાળુ વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ 90012 હેક્ટરની સરખામણીમાં આ વર્ષે વાવેતર વિસ્તારમાં 3400 હેક્ટરનો ઘટાડા સાથે 86622 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ છે.

જેમાં મુખ્ય પાક એવા ઘઉનું વાવેતર ઘટયુ છે. જ્યારે રોકડિયા પાક એવા બટાટાના વાવેતરમાં વધારો થયો છે.જિલ્લામાં આ વર્ષે વાતાવરણની અસરના કારણે વાવેતર મોડુ શરૂ થયુ હતું.જેની અસર મુખ્ય પાક એવા ઘઉના વાવેતર પર જોવા મળી હતી. શિયાળુ પાક વાવેતરના અંતિમ આંકડા પ્રમાણે વર્ષે ઘઉનું વાવેતર 800 હેક્ટર જેટલુ ઘટયુ છે. છેલ્લા ત્રણ વર્ષની 30526 હેક્ટરની સરખામણીમાં આ વર્ષે ઘઉનું માત્ર 29766 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ છે. જેમાં સૌથી વધુ વાવેતર દહેગામમાં 10091 હેક્ટર વિસ્તારમાં થયુ છે. જ્યારે સૌથી ઓછુ માણસામાં 5991 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયુ છે.

જ્યારે ચણાનું વાવેતર 1600 હેક્ટર નોંધાયુ છે. જે સરેરાશ કરતા 450 હેક્ટર વધુ છે. જ્યારે રાઇના વાવેતરમાં પણ 240 હેક્ટરનો વધારો થયો છે. જિલ્લામાં આ વર્ષે રાયનું વાવેતર 2165 હેક્ટરમાં નોંધાયુ છે. જ્યારે તમાકુ, વળિયાળીના વાવેતરમાં પણ વધારો થયો છે. આ બંને પાકનું અનુક્રમે 4392 અને 1233 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ છે. શિયાળુ વાવેતરના ઘઉં બાદના મુખ્ય પાક એવા બટાટાના વાવેતરમાં આ વર્ષે વધારો નોંધાયો છે. આ વર્ષે જિલ્લામાં બટાટાનું 18570 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ છે. જે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશની સંખ્યામાં 1700 હેક્ટર વધુ છે.

જિલ્લામાં બટાટાનું સૌથી વધુ વાવેતર ગાંધીનગર તાલુકામાં 7632 હેક્ટર વિસ્તારમાં થયુ છે. જ્યારે સૌથી ઓછુ કલોલ તાલુકામાં માત્ર 193 હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર થયુ છે. જ્યારે શાકભાજી અને ઘાસચારાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં શાકભાજીનું વાવેતર 9150 તથા ઘાસચારાનું વાવેતર 19715 હેક્ટરમાં નોંધાયુ છે. ઘાસચારાના વાવેતરમાં ત્રણ વર્ષની સરેરાશની સરખામણીમાં છ હજાર હેક્ટર જેટલો તોતિંગ ઘટાડો નોંધાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો