android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: દિલ્હીમાં કોળી સમાજનું મહામંથન: કુંવરજી બાવળિયાએ જાહેર કર્યો આગામી રોડમેપ, 6 મહિનામાં યોજાશે ચૂંટણી!

calendar_todayJune 16, 2026

Gandhinagar: દિલ્હીમાં કોળી સમાજનું મહામંથન: કુંવરજી બાવળિયાએ જાહેર કર્યો આગામી રોડમેપ, 6 મહિનામાં યોજાશે ચૂંટણી!

ગાંધીનગર ખાતેથી કોળી સમાજના અગ્રણી અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ નવી દિલ્હીમાં યોજાયેલા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધિવેશન અંગે એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. ગત 14 જૂનના રોજ દિલ્હી ખાતે યોજાયેલું આ અધિવેશન ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું, જેમાં દેશના ૧૫ જેટલા જુદા જુદા રાજ્યોના પ્રમુખો અને આગેવાનોએ ખાસ હાજરી આપીને સમાજના ઉત્થાન માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.

 બંધારણમાં જરૂરી બંધારણીય જોગવાઈઓ ઉમેરાશે

કુંવરજી બાવળિયાએ સંમેલનના નિર્ણયો અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, હવેથી કોળી સમાજના સંગઠનમાં યુવાનો અને મહિલાઓને સવિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. આ ફેરફારોને કાયમી સ્વરૂપ આપવા માટે સમાજના બંધારણમાં જરૂરી બંધારણીય જોગવાઈઓ ઉમેરવા અંગે પણ સહમતી સાધવામાં આવી છે. આ ઉપરાંત, દેશના તમામ રાજ્યોમાં વસતા સમાજના પરિવારોના બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા વધુ મજબૂત અને ગુણવત્તાસભર બને તે મુદ્દા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

'ડિજિટલ પોર્ટલ' લોન્ચ કરવામાં આવશે

સમાજને ડિજિટલ યુગ સાથે જોડવા માટે એક મોટો નિર્ણય લેવાયો છે. આગામી ત્રણ મહિનામાં અખિલ ભારતીય કોળી સમાજમાં દેશભરમાંથી નવા સભ્યો સહેલાઈથી જોડાઈ શકે તે માટે એક ખાસ 'ડિજિટલ પોર્ટલ' લોન્ચ કરવામાં આવશે. આ પોર્ટલના માધ્યમથી સભ્યપદ અભિયાનને વ્યાપક વેગ આપવામાં આવશે.

6 મહિનાની અંદર સત્તાવાર ચૂંટણી યોજવાનું આયોજન

સંગઠનની લોકશાહી પ્રક્રિયાને આગળ ધપાવવા માટે આગામી 6 મહિનાની અંદર સત્તાવાર ચૂંટણી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અખિલ ભારતીય કોળી સમાજને નવા સર્વોચ્ચ અધ્યક્ષ મળશે, જે સમાજની પ્રગતિને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવો આશાવાદ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો છે. 


આ પણ વાંચો----     Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી