android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: કલોલમાં 700 લોકોનું આરોગ્ય જોખમમાં, નવા બોરમાંથી ઓઇલ અને ગેસવાળું પાણી આવતું હોવાની ફરિયાદ

calendar_todayMarch 12, 2026

Gandhinagar: કલોલમાં 700 લોકોનું આરોગ્ય જોખમમાં, નવા બોરમાંથી ઓઇલ અને ગેસવાળું પાણી આવતું હોવાની ફરિયાદ

કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં ન્યુ લક્ષ્મીનગર સોસાયટી આવેલી છે આ સોસાયટી અગાઉ બોરીસણા ગ્રામ પંચાયત હેઠળ આવતી હતી. બાદમાં આ વિસ્તારનો સમાવેશ કલોલ નગરપાલિકામાં કરવામાં આવ્યો છે. અગાઉ અહીં બોર દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હતું તે બોર બગડી જતા ગ્રામ પંચાયત દ્વારા નવો બોર બનાવવામાં આવ્યો છે. નવા બોરમાંથી ડહોળુ અને ઓઇલ તેમજ ગેસવાળું પાણી આવી રહ્યું હોવાનું રહેવાસીઓ જણાવી રહ્યા છે. સોસાયટીમાં કુલ 140 જેટલા મકાનો આવેલા છે અને અહીં આશરે 700થી વધુ લોકો વસવાટ કરે છે.

નવા બોરમાંથી ઓઇલ અને ગેસવાળું પાણીની ફરિયાદ

આ વિસ્તારમાં છેલ્લા આઠ મહિનાથી આ પરિવારોને ગંદુ અને ઓઇલવાળું પાણી પીવા તેમજ રોજિંદા ઉપયોગ માટે વાપરવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ પાણીમાં અજાણી ગંધ તેમજ તેલ જેવી પરત જોવા મળી રહી છે. જેના કારણે લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થવા પામ્યું છે. આ સમસ્યા અંગે તેઓએ કલોલ નગરપાલિકા સહિત સંબંધિત તંત્રમાં રજૂઆતો કરી છે તેમ છતાં હજુ સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે સોસાયટીઓના લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.

140 મકાનના 700થી વધુ લોકોનું આરોગ્ય જોખમાયું

સ્થાનિકો શુદ્ધ પાણીની માંગણી કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર સોસાયટીની બહારના ભાગે નર્મદા પાણીની નગરપાલિકાની લાઈન પસાર થાય છે તે લાઈન માંથી સોસાયટીને જોડાણ આપવામાં આવે અથવા બોરનું રીપેરીંગ કામ કરવામાં આવે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ત્યારે ગંદુ અને ઓઇલ વાળું પાણી પીવાના કારણે અહીં કોઈ ગંભીર રોગચાળો ફેલાય તે પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી સોસાયટીઓના રહેવાસીઓ દ્વારા માગણી કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ Railway News : અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરો સાથે ઠગાઈ કરનાર આંતરરાજય ગેંગનો પર્દાફાશ, આરપીએફએ 2 આરોપીને ઝડપ્યા