calendar_todaySeptember 9, 2026
Gandhinagar: ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તક આવતા 951 આંગણવાડી કેન્દ્રો પૈકી 203ના બિલ્ડિંગ જર્જરિત
ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તક આવતી 951 આંગણવાડી કેન્દ્રોમાંથી 203 કેન્દ્રો જર્જરીત હાલતમાં છે. જેમાં બીજી તરફ પોતાના મકાનો ન હોવાથી તથા જર્જરીત કેન્દ્રો હોવાને પગલે કુલ 167 કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલે છે. જેને પગલે દર મહિને પાંચ લાખથી વધુનો ખર્ચ ભાડા પેટે થઈ રહ્યો હોવાની વિગતો છે. આ ઉપરાંત 88 જેટલી આંગણવાડીઓ અન્ય જગ્યાએ ચાલે છે, એટલે કે જે-તે વિસ્તારમાં અન્ય કોઈ બિલ્ડિંગ કે કોઈએ આપેલી જગ્યા ઉપર આંગણવાડી ચાલી રહી છે. જર્જરીત આંગણવાડીઓ સામે તબક્કાવાર નવીન કેન્દ્રો બનાવવામાં આવી રહ્યાં છે. જોકે 55 જેટલા કેન્દ્રો માટે જમીન જ ઉપલબ્ધ ન હોવાનું કહેવાય છે.
ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તક CDSઅંતર્ગત જિલ્લામાં 951 આંગણવાડી કેન્દ્રો ચાલે છે, જેમાં ગાંધીનગર તાલુકામાં 213, દહેગામ તાલુકામાં 260, કલોલ તાલુકામાં 262, જ્યારે માણસા તાલુકામાં 216 આંગણવાડી કેન્દ્રો ચાલે છે. આ આંગણવાડીઓ પૈકી 696 કેન્દ્રો પોતાના મકાનમાં 167 કેન્દ્રો ભાડાના મકાનમાં, 88 અન્ય સ્થળે કાર્યરત છે. 951 આંગણવાડી કેન્દ્ર પૈકી 203 કેન્દ્રના મકાનો જર્જરીત હાલતમાં છે. જેમાં ગાંધીનગર તાલુકામાં 35, દહેગામ તાલુકામાં 54, કલોલ તાલુકામાં બાવન જ્યારે માણસા તાલુકામાં 62 જેટલા આંગણવાડી કેન્દ્રો જર્જરીત હાલતમાં છે. જેને પગલે આવા કેન્દ્રના બાળકોને ભાડાના મકાન કે અન્ય સ્થળોએ બેસાડવાની ફરજ પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભાડા પેટે 107 આંગણવાડીઓને માસિક બે હજાર જ્યારે અર્બન એરિયામાં 60 કેન્દ્રોને માસિક 6 હજારનું ભાડું નક્કી કરાયું છે. જેને પગલે 167 જેટલી આંગણવાડીઓના ભાડા માટે સરકાર દ્વારા દર મહિને પાંચ લાખથી વધુનું ભાડુ ચુકવાય છે. જર્જરીત આંગણવાડી કેન્દ્રો સામે સરકાર દ્વારા તબક્કાવાર નવીન મકાનો તૈયાર કરવાનું આયોજન ચાલી રહ્યું છે. જેમાં બિનપરંપારગ રીતે 85 આંગણવાડી, પરંપરાગત રીતે 94 આંગણવાડી કેન્દ્રો, મનરેગા અંતર્ગત 6, જિલ્લા સ્વભંડોળમાં 4 જ્યારે જીએસપીસી ફેઝ-2માં 13 આંગણવાડી કેન્દ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે 55 જેટલી આંગણવાડીના કિસ્સામાં જમીન ઉપલબ્ધ ન હોવાનું કહેવાય છે, જેમાં સૌથી વધુ કલોલ તાલુકામાં સૌથી વધુ 38 કેન્દ્રો, દહેગામ તાલુકામાં 10 કેન્દ્રો, માણસા તાલુકામાં 6 કેન્દ્રો જ્યારે ગાંધીનગર તાલુકામાં એક કેન્દ્ર પાસે માટે જમીન ન હોવાની સ્થિતિ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો