calendar_todayApril 30, 2026
Gandhinagar : ઉનાળાની ગરમી વચ્ચે GMC એક્શનમાં, ઠંડા પીણા અને બરફ ગોળાના 75 નમૂના લઈ લેબોરેટરીમાં મોકલ્યા!
પાટનગર ગાંધીનગરમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ લોકો ઠંડા પીણા અને બરફ ગોળા તરફ વળ્યા છે. જનતાના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા નો ફૂડ વિભાગ હરકતમાં આવ્યો છે. શહેરમાં ઠેર-ઠેર ચાલતી ખાણી-પીણીની લારીઓ અને દુકાનોમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
75 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા
GMC ના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમોએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન ખાસ કરીને ઉનાળામાં સૌથી વધુ વેચાતી વસ્તુઓ જેવી કે બરફ ગોળા, શેરડીનો રસ અને વિવિધ ઠંડા પીણાંના 75 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. તંત્રને શંકા છે કે ગરમીના સમયે વધુ નફો કમાવવા માટે અખાદ્ય કલર અથવા જોખમી રસાયણોનો ઉપયોગ થઈ રહ્યો હોઈ શકે છે.
લેબોરેટરી રિપોર્ટ બાદ થશે કડક કાર્યવાહી
તંત્ર દ્વારા લેવામાં આવેલા તમામ સેમ્પલને પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો નમૂનામાં કોઈ અખાદ્ય પદાર્થ કે હાનિકારક તત્વો મળી આવશે, તો સંબંધિત વેપારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભારે દંડ પણ ફટકારવામાં આવશે.
રોગચાળો ન ફેલાય તે હેતુથી ડ્રાઇવ
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં દર વર્ષે ઉનાળાની સિઝનમાં રોગચાળો ન ફેલાય તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની ડ્રાઈવ ચલાવવામાં આવે છે. વેપારીઓને પણ સ્વચ્છતા જાળવવા અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ વાપરવા કડક સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો--- Ahmedabad : 34 વર્ષ પછી કબરમાંથી બોલી લાશ, વટવાના જે મકાનને લોકો ભૂતિયુ માનતા હતા ત્યાંથી ખુલ્યું મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય!