calendar_todayMay 5, 2026
Gandhinagar: સફાઈકર્મીએ રસ્તા પરથી મળેલો iPhone મૂળ માલિકને પરત કર્યો
મહાપાલિકાના મહિલા સફાઈ કર્મચારીને સરગાસણ વિસ્તારમાં રસ્તા પરથી કિંમતી આઈફોન મળી આવ્યો હતો. જે તેમણે મૂળ માલિકને પરત કરી ઈમાનદારીનું ઉદાહરણ પુરું પાડયું છે. આઈ-ફોન જોઈને કોઈનું પણ મન અને લાલચ બગડે પરંતુ અહીં આ મહિલા સફાઈ કામદારે કંઈપણ વિચાર કર્યા વિના આઈફોન પરત કરી દઈ પોતે પ્રામાણિકતાની મિશાલ બન્યા છે.
તગડો પગાર હોવાછતાં અધિકારી-કર્મચારીઓ કૌભાંડ આચરતા ખચકાતા નથી. ત્યારે મહાપાલિકાના સરગાસણ વિસ્તારમાં ફરજ બજાવતા સફાઈ કર્મી ડાહીબેનને આઈ-ફોન જોઈને પણ લાલચ ના જાગી. સરગાસણ વિસ્તારમાં ડાહીબેન રોજની જેમ જ સફાઈ કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન રસ્તા પર બિનવારસી હાલતમાં એક મોંઘો સ્માર્ટફોન(iPhone)પડેલો હતો તેની પર તેમની નજરપડી. ડાહીબેને તરત જ મોબાઈલને લઈ લીધો અને પોતાની પાસે સુરક્ષિત રાખ્યો હતો. બીજી તરફ એક વ્યક્તિ પોતાનો કિંમતી ફોન ખોવાઈ જવાથી તે વિસ્તારમાં શોધખોળ કરતા જઈ ચડયા. ડાહીબેનને ખબર પડી કે વ્યક્તિ પોતાનો મોબાઈલ શોધી રહી છે. તેમણે પુરતી ખાતરી કર્યા બાદ તે કિંમતી મોબાઈલ તેના અસલી માલિકને પરત કર્યો હતો. પોતાનો ગુમ થયેલો આઈ-ફોન પરત મળતા વ્યક્તિને હાંશકારો થયો હતો અને ડાહીબેનનો આભાર માન્યો હતો અને તેમની પ્રમાણિકતાના વખાણ કર્યા હતા. મહાપાલિકાને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે તંત્રએ પણ ડાહીબેનની ફરજનિષ્ઠા અને ઈમાનદારીની નોંધ લીધી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો