calendar_todayOctober 14, 2026
Gandhinagar News: કોણ બનશે ગાંધીનગર મનપાના મેયર?, આ ત્રણ નામો સૌથી વધુ ચર્ચામાં
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે સતત ત્રીજી ભવ્ય જીત મેળવીને હેટ્રિક નોંધાવી છે.ભાજપે 44માંથી 38 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે.જ્યારે કોંગ્રેસ માત્ર પાંચ બેઠકોમાં સમેટાઈ ગઈ છે.એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે.આ ચૂંટણીમાં આપના સુપડા સાફ થઈ ગયા છે.તેને એકપણ બેઠક મળી નથી.આ સાથે જ મહાનગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.કોંગ્રેસે ચૂંટણી પ્રચાર દરમિયાન 10 થી 12 સીટો જીતવાના દાવા કર્યા હતા.અલબત્ત ગત ચૂંટણી કરતાં ત્રણ સીટો વધી છે.પરંતુ કોર્પોરેશનમાં સત્તા કબજે કરવાનું સપનું ચકનાચૂર થયું છે.વોર્ડ-6માં ભાજપનો ધબડકો વળ્યો છે પરંતુ ચૂંટણી દરમિયાન ભાજપને ઉમેદવારોની પસંદગીમાં ક્યાંક કાચું કપાઈ ગયાનો અહેસાસ થઈ ગયો હતો. હવે મનપામાં મેયર કોણ બનશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
દશેરા સુધીમાં નવા નેતૃત્વની સત્તાવાર જાહેરાત થઈ શકે
ગાંધીનગરમાં નવા મેયરની પસંદગી પ્રક્રિયા તેજ બની છે અને દશેરા સુધીમાં નવા નેતૃત્વની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.મેયર પદ ઓબીસી પુરુષ માટે અનામત જાહેર કરાયેલું હોવાથી આ શ્રેણીના અગ્રણીઓ વચ્ચે વિશેષ સ્પર્ધા જોવા મળી રહી છે.દાવેદારોમાં હાલ કનુ દેસાઈ અને મહેશ ચૌધરી આ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે.કનુ દેસાઈ અગાઉ સંગઠનમાં મહામંત્રી તરીકેની મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે.જેના કારણે તેમની વહીવટી કામગીરી ધ્યાને લેવાઈ રહી છે.જ્યારે મહેશ ચૌધરી ઓબીસી મોરચામાં કામ કરી ચૂક્યા છે અને ઓબીસી વર્ગના કામના કારણે તેમનું નામ આગળ ચાલે છે.
અન્ય મહત્વના હોદ્દાઓની વહેંચણી થઈ શકે છે
આ બંને મુખ્ય ચહેરાઓ ઉપરાંત ધર્મેન્દ્ર નાયીનું નામ પણ મેયર પદ માટે ચર્ચામાં સ્થાન પામ્યું છે.ધર્મેન્દ્ર નાયી સલૂન વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ઓબીસી દાવેદાર તરીકે તેમનું નામ પણ વિચારણા હેઠળ લેવામાં આવ્યું છે.આ ત્રણેય નામોમાંથી આખરી મહોર કોના નામ પર વાગશે તે બાબત હાલ સૌથી વધુ ચર્ચાસ્પદ બની છે.બીજી તરફ,મહાનગરપાલિકાના અન્ય મહત્વના હોદ્દાઓની વહેંચણી પણ સાથે કરવામાં આવનાર છે. જેમાં ડેપ્યુટી મેયર પદે મહિલાને તક મળે તેવી પૂરી શક્યતા રહેલી છે.આ સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ પાટીદારને મળે તેવી શક્યતા જોવા મળે છે.
આ પણ વાંચોઃ