calendar_todayMarch 15, 2026
Gandhinagar News: રાજ્યની પૂર્વ પટ્ટીના બે આદિવાસી જિલ્લાઓને એક જ દિવસમાં રૂ.1100 કરોડના વિકાસ કામો મળ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પૂર્વ પટ્ટીના બે આદિવાસી જિલ્લાઓ પંચમહાલ અને દાહોદ માં એક જ દિવસમાં 1100 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા. વડાપ્રધાન મોદીએ વંચિતોને વરિયતાના કાર્યમંત્ર સાથે આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસના આપેલો વિચાર ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં સાકાર થઈ રહ્યો છે.મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં પંચમહાલ જિલ્લામાં 732 કરોડ રૂપિયાના 112 કામો તથા દાહોદ જિલ્લામાં 367 કરોડ રૂપિયાના 1200થી વધુ કામોની ભેટ આદિજાતિ પરિવારોને આપી હતી.
23 હજાર એકર જમીનને સિંચાઈ સુવિધા
ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબાના 79 ગામોના 130 તળાવમાં પાનમ જળાશયનું પાણી પહોંચાડવાની અંદાજે રૂપિયા 406 કરોડની ઉદવવહન સિંચાઈ પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ યોજનાના પરિણામે અંદાજે 86 હજાર હેક્ટર વિસ્તારને સિંચાઈની સુવિધા મળતી થશે. પાનમ જળાશયમાંથી આ હેતુસર 236 ફૂટ ઊંચાઈથી પાણી લિફ્ટ કરીને 205 કિલોમીટર લાંબી વિતરણ પાઇપલાઇન મારફતે વહેવડાવવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણીને જ વિકાસનો મુખ્ય આધાર ગણવાતા આ અવસરે કહ્યું કે, રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં અત્યાર સુધીમાં રૂ. 3160 કરોડના ખર્ચે 11 ઉદવાહન સિંચાઈ યોજનાથી 2 લાખ 23 હજાર એકર જમીનને સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવી છે.
આદિવાસી વિસ્તારોમાં સિંચાઈની સગવડ આપવા જોગવાઈ
તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારના આ વર્ષના ૪ લાખ કરોડ રૂપિયાના ઐતિહાસિક બજેટમાં પણ આદિવાસી વિસ્તારોમાં સિંચાઈની સગવડ આપવા 485 કરોડ રૂપિયાની જોગવાઈ લિફ્ટ ઈરિગેશન માટે સુનિશ્ચિત કરી છે. એટલું જ નહિ, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત લિફ્ટ ઈરિગેશનથી 18 તાલુકાઓના 51,480 હેક્ટર જમીન વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાનું પ્રાવધાન કર્યું છે. તેમણે પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં મુખ્યત્વે આરોગ્ય, શિક્ષણ, રોડ નેટવર્ક, પાણીની સુવિધાના વિકાસ કામોની ભેટ આપી હતી. વડાપ્રધાને જાહેર કરેલા આકાંક્ષી જિલ્લાઓ-એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટમાં સમાવેશ થયેલા દાહોદ જિલ્લાને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં લીડ લેનારો ઇન્સ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ બનવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું હતું.
આ પણ વાંચોઃ Surat News: ગેસની અછતથી કંટાળી શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલ ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ