calendar_todayFebruary 5, 2026
Gandhinagar News : રાજ્યમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થશે, 178 કરોડના ખર્ચે 14 નવી MRI મશીનો ખરીદાશે
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી સિવિલ હોસ્પિટલો અને GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત હોસ્પિટલો માટે કુલ 14 નવી અત્યાધુનિક MRI મશીનોની ખરીદી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા અંદાજે 178.54 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાથી ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલોના મોંઘા ટેસ્ટમાંથી મુક્તિ મળશે અને સરકારી હોસ્પિટલોમાં જ સચોટ નિદાન ઉપલબ્ધ થશે.
સરકારનો મહત્વનો નિર્ણય
આ નવી MRI મશીનો 1.5 ટેસ્લા (Tesla) ટેકનોલોજીથી સજ્જ હશે, જે તબીબી ક્ષેત્રે શ્રેષ્ઠ ગુણવત્તાના રિપોર્ટ આપવા માટે જાણીતી છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરો સહિત રાજ્યના કુલ 14 મહત્વના શહેરોમાં આ મશીનો ફાળવવામાં આવશે. આ અત્યાધુનિક ટેકનોલોજીને કારણે જટિલ બીમારીઓનું નિદાન ખૂબ જ ઝડપથી અને ચોકસાઈપૂર્વક થઈ શકશે, જેનાથી સારવારમાં લાગતો સમય ઘટશે અને દર્દીઓના જીવ બચાવવામાં મોટી મદદ મળશે. સરકારના આ પગલાથી રાજ્યના જાહેર આરોગ્ય માળખામાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.
આ પણ વાંચો : Surat માં શ્વાનનો આતંક, વાલક પાટિયા પાસે બાળક પર હુમલો થતા રહીશોમાં ફફડાટ