calendar_todayOctober 1, 2026
Gandhinagar News: મનપાની ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવારોનું નસીબ બે વર્ષમાં ચમક્યું, 5 વર્ષમાં સંપત્તિ બેફામ વધી
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવારો સૌની નજરમાં છે.કોર્પોરેશનની ચૂંટણીમાં વિવિધ સમિતિઓના વર્તમાન ચેરમેનો આ વખતે પણ ચૂંટણી જંગમાં છે.જેમાં આ ઉમેદવારોની સંપત્તિ પર નજર કરવા જોઈએ તો બે ચેરમેનોની મિલકતમાં છેલ્લા પાંચ વર્ષમાં અઢળક વધારો થયો હોવાનું તેમના સોગંદનામામાં તેમના દ્વારા જાહેર કરવામાં આવેલી મિલકતો પરથી લાગી રહ્યું છે.ટાઉન પ્લાનિંગ અને સેનીટેશન સમિતિના ચેરમેન જેઓ અત્યારે વોર્ડ-2 અને 3માંથી ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેમને આ સમિતિઓએ સંપત્તિવાન બનાવી દીધા છે.પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં મોટો ઉછાળો આવ્યો હોવાનું તેમણે જ જાહેર કરેલા સોગંદનામાથી જાણ થાય છે.આજે આ બે સમિતિના ચેરમેનો જે ચૂંટણી લડી રહ્યા છે તેઓ કેટલા સંપત્તિવાન છે તેની વિગતો આપી છે.
ચૂંટણીમાં પંચમાં રજૂ કરેલા સોગંદનામામાં વિગતો જાહેર થઈ
આ બંને ઉમેદવારો પૈકીમાં વોર્ડ-2ના ભાજપના ઉમેદવાર અને ટાઉનપ્લાનિંગ સમિતિના વર્તમાન ચેરમેન દિક્ષીબેન મનીષકુમાર પટેલ તેમની પાસે 12.35 કરોડની સંપત્તિ હોવાનું સોગંદનામામાં જાહેર કરવામાં આવ્યું છે.જેમાં દિક્ષીબેન પાસે 30 તોલા અને તેમના પતિ મનીષકુમાર પાસે 20 તોલા જેટલું સોનું છે.જ્યારે તેમના પતિ મનીષકુમાર પટેલ પાસે રાંધેજા,પેથાપુર,અલુવા તથા મુબારકપુરમાં જમીનો હોવાની વિગતો જાહેર કરવામાં આવી છે.સૌથી મહત્વની બાબત એ છે કે,તેઓ જ્યારે વર્ષ 2021માં ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે પતિ-પત્નીની સંયુક્ત રીતે 2.97 કરોડ આસપાસની સંપત્તિ હોવાનું સોગંદનામામાં જાહેર કરવામાં આવ્યું હતું.એ સમયે બંને પતિ-પત્ની પાસે પાંચ-પાંચ તોલા મળીને કુલ દસ તોલા સોનું હતું. આ સિવાય તેમના પતિ પાસે 79 ગુંઠા 60 લાખના મૂલ્ય ધરાવતી સંયુક્ત માલિકીની પેથાપુર ખાતે એક માત્ર જમીન હતી. ઉપરાંત સેક્ટર-21માં દીપ્તીબેનના નામે એક કરોડની દુકાનો હોવાનું બતાવાયું હતું.પેથાપુરમાં 40 લાખનો બંગલો હોવાનું દર્શાવાયું હતું. એટલે કે માત્ર પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં અઢળક ઉછાળો થયો છે! ૨.૯૭ કરોડમાંથી સીધા 12.35 કરોડનો સંપત્તિમાં ઉછાળો થયો છે. એક રીતે દીપ્તીબેનને આ સમિતિનો હોદ્દો મલાઈદાર સાબિત થયો છે.
કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવાને તો ચાંદી જ ચાંદી
તેવી જ રીતે ગત ટર્મમાં અધવચ્ચેથી કોંગ્રેસમાંથી ભાજપમાં ભગવાકરણ કરનાર વોર્ડ-3ના ભાજપના ઉમેદવાર અને સેનિટેશન સમિતિના ચેરમેન અંકિત બારોટ જ્યારે કોંગ્રેસમાંથી વર્ષ 2016માં ચૂંટણી લડ્યા હતા ત્યારે ઠનઠન ગોપાલ હતા.વર્ષ 2021માં પણ કોઈ ખાસ સંપત્તિ દર્શાવાઈ નથી.અલબત્ત તેમની એફિડેવિટ આશ્ચર્યસહ ચૂંટણી પંચની સાઈટમાં ખૂલતી જ નથી જોકે જ્યારથી તેમણે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો ત્યારથી તેમની આર્થિક સ્થિતિ બદલાવા લાગી તેવું તેમના સોગંદનામામાં જાહેર કરવામાં આવેલી સંપત્તિ પરથી માલૂમ પડે છે. અત્યારે તેમની પાસે 7.74 લાખની બેંક થાપણ છે અંકિત બારોટ પાસે 64 લાખ અને તેમના પત્નીના નામે 10 લાખ મળી કુલ 75 લાખના શેર છે.સેક્ટર-21માં એકાદ વર્ષ પૂર્વે જ 330 વારની મિલકત ખરીદેલી છે.જેનું મૂલ્ય બે કરોડ બતાવાયું છે.સેક્ટર-24માં 25 લાખનું મકાન, વાવોલમાં ધી સ્પેન્ટા તથા સ્વર્ણિમ પેરેડાઈઝમાં કુલ મળીને અંદાજે 65 લાખની આસપાસના બે ફ્લેટ હોવાની વિગતો જાહેર કરી છે.
આખી કિસ્મત ભાજપમાં આવ્યા બાદ પલટાઈ
આ ઉપરાંત અળુવામાં સર્વે નંબર 579/748માં અંદાજે ચારેક વીઘા ઉપરાંત જેટલી જમીન તેમના પત્નીના નામે બતાવાઈ છે.સૌથી મહત્વમાં ટાઉનપ્લાનિંગ સમિતિના ચેરમેન દીપ્તીબેન પટેલના પતિ મનીષકુમારની પણ અહીં જમીન આવેલી છે.સર્વે નંબર 577/741 તથા 742 એટલે કે અંકિત બારોટ અને મનીષકુમાર પટેલ બંનેની સંયુક્ત ભાગીદારીમાં વિશાળ જગ્યા લેવામાં આવેલી છે.તેમના જ મિત્રવર્તુળમાંથી પ્રાપ્ત વિગતમાં અહીં વિશાળ ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યો છે. આમ જોતાં અંકિત બારોટની આખી કિસ્મત ભાજપમાં આવ્યા બાદ પલટાઈ ગઈ છે. ભાજપને આ આયાતી ઉમેદવાર પર આટલો બધો પ્રેમ ઉભરાયેલો જોઈને ભાજપના જ કાર્યકરોને આશ્ચર્ય થઈ રહ્યું છે.
પક્ષના નેતાની 6.54 કરોડની સંપત્તિ, 1 કરોડ ઉપરાંતનું સોનું ધરાવે છે
ગાંધીનગર કોર્પોરેશનના પક્ષના નેતા અને વોર્ડ-૨ના ભાજપના ઉમેદવાર અનિલસિંહ વાઘેલા કરોડોપતિ હોવાનું સામે આવ્યું છે.વર્ષ 2021માં જ્યારે તેઓ આ જ વોર્ડમાંથી ચૂંટણી લડ્યા હતા,ત્યારે તેમની પાસે પેથાપુર, સોનારડા તથા રતનપુરમાં સંયુક્ત માલિકીની અંદાજે 50 લાખની જમીનો હતી,અત્યારે વર્ષ 2026માં ચૂંટણી માટે જે ઉમેદવારી ફોર્મ સાથે જે સોગંદનામું જાહેર કર્યું છે,તેમાં પેથાપુર અને પીંપળજ ખાતે જમીનો છે,જેમાં ક્યાંક ક્યાંક 25 ટકાનો હિસ્સો હોવાનું બતાવાય છે, જે તમામનું મૂલ્ય 62073000 થવા જાય છે.કદાચ આ તેમની વારસાગત મિલકતો છે.આ ઉપરાંત વિસત ગોલ્ડ નવુ ડેલુ પેથાપુરમાં તેમણે પોતાની જે અસ્કયામતો દર્શાવી છે તે તમામનું મૂલ્ય ૩૨ લાખ ઉપરાંત છે.તેમની પાસે ફોર્ચ્યુનર કાર છે તથા 1.70 કરોડનું સોનું અને 1.80 લાખની ચાંદી તેમની પાસે છે.તો ક્યાંક ભાગીદારીમાં પણ જમીન હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ Gujarat Latest News Live : ગુજરાતમાં મિશ્ર ઋતુની અસર શરૂ થઈ, ઠંડી અને ગરમી સાથે વરસાદની આગાહી