calendar_todayJuly 6, 2026
Gandhinagar News: કલોલના મોટી ભોંયણ ગામે વીજળી પડતાં 63 પશુના મોત
ગુજરાતમાં ચોમાસાની જામતી સવારી વચ્ચે રવિવારે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. આ વરસાદ કલોલ તાલુકાના એક પશુપાલક પરિવાર માટે માતમ લઈને આવ્યો છે. ગાંધીનગરના કલોલ તાલુકાના મોટી ભોંયણ ગામે રવિવારે પડેલા વરસાદ દરમિયાન આકાશી વીજળી ત્રાટકતાં એકસાથે 63 પશુઓના કરુણ મોત નીપજ્યા છે. આ આકસ્મિક આફતને પગલે સ્થાનિક પશુપાલક પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
વૃક્ષ નીચે બાંધેલા પશુઓ કાળનો કોળિયો બન્યા
મળતી માહિતી મુજબ, રવિવારે કલોલ પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. વરસાદ અને વીજળીના કડાકા-ભડાકા શરૂ થતાં પશુપાલકે પોતાના પશુઓને સુરક્ષિત રાખવા માટે ગામમાં આવેલા એક મોટા વૃક્ષ નીચે બાંધ્યા હતા. જોકે, કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. વરસાદ દરમિયાન આ જ વૃક્ષ પર અચાનક ભારે કડાકા સાથે આકાશી વીજળી ત્રાટકી હતી.
62 બકરી અને 1 ગાયનું મોત
વૃક્ષ પર વીજળી પડતાં જ તેની નીચે આશરો લઈ રહેલા અબોલ પશુઓ કાળનો કોળિયો બની ગયા હતા. આ દુર્ઘટનામાં સ્થળ પર જ 62 બકરીઓ અને એક ગાય સહિત કુલ 63 પશુઓના મોત નીપજ્યા હતા. એકસાથે આટલી મોટી સંખ્યામાં અબોલ જીવોના મોત થતાં સમગ્ર મોટી ભોંયણ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પશુપાલક પરિવાર આજીવિકા ગુમાવતા લાચાર
જે પશુઓના સહારે આખો પરિવાર ગુજરાન ચલાવતો હતો, તે તમામ પશુઓ એક જ ઝાટકે મોતના મોંમાં ધકેલાઈ જતાં પશુપાલક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારનો રોઈ-રોઈને ખરાબ હાલ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લાચાર બનેલા પશુપાલક પરિવારને સાંત્વના આપી હતી. આ નુકસાની બદલ સરકાર તરફથી પરિવારને તાત્કાલિક યોગ્ય વળતર આપવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.
આ પણ વાંચો - Gandhinagar: ગુજરાતની 426 'પીએમ શ્રી' શાળાઓમાં શિક્ષકો અને કોચની ભરતી પ્રક્રિયા શરૂ, પ્રતિ દિવસ 864નું મળશે વળતર