android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News: ગુજરાતમાં કોડિન સિરપના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી, 7 પેઢીઓને નોટીસ

calendar_todaySeptember 8, 2026

Gandhinagar News: ગુજરાતમાં કોડિન સિરપના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી, 7 પેઢીઓને નોટીસ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં મળેલ બેઠક દરમિયાન આપવામાં આવેલ કડક સૂચના અન્વયે,કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ,અનધિકૃત સંગ્રહ તથા વેચાણ ઉપર નિયંત્રણ લાવવા માટે ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બાલાજી ફાર્માનો 83 લાખથી વધુનો માલ જપ્ત કરવામાં આવ્યો છે.આ ઉપરાંત વિવિધ 7 પેઢીઓને નોટિસ અને એકનો પરવાનો રદ કરવામાં આવ્યો છે.

કાર્યવાહી રાજ્યભરમાં સતત ચાલુ જ રહેશે

આરોગ્ય મંત્રી પાનશેરીયાએ આ સંદર્ભે કહ્યું હતું કે,તંત્ર દ્વારા કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર સંગ્રહ, અનધિકૃત વેચાણ તથા ગેરઉપયોગ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ સામે લાગુ કાયદા અને નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.જનતાના આરોગ્યના હિતમાં આવી દવાઓનો ઉપયોગ માત્ર માન્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન તથા કાયદેસર માર્ગે જ થાય તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય તંત્ર દ્વારા આ પ્રકારની તપાસ અને દેખરેખની કાર્યવાહી રાજ્યભરમાં સતત ચાલુ જ રહેશે.

કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપાર

આ સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં આવેલ દવાના હોલસેલ તથા રિટેલ વેપારીઓની સઘન તપાસ હાથ ધરી, કોડીન ઘટક ધરાવતી દવાઓના ખરીદ-વેચાણ, સંગ્રહ તથા વિતરણ સંબંધિત રેકોર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે.બાલાજી ફાર્મા અમદાવાદ ગ્રામ્યમાં તપાસ દરમિયાન પેઢીના હાજર સ્ટોકમાંથી કોડીન ઘટક ધરાવતી Rexton-T Syrupની કુલ 37,762 બોટલ મળી આવી હતી. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ.83,07,640 થાય છે.આ જથ્થાને વધુ ઉપયોગ/વેચાણ ન થાય તે માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.નિયત પ્રક્રિયા મુજબ પૃથ્થકરણ માટે Rexton-T Syrupનો નમૂનો લેવામાં આવ્યો છે.પેઢીના ખરીદ-વેચાણના રેકોર્ડની ચકાસણી કરતાં પેઢી દ્વારા મુખ્યત્વે કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપાર કરવામાં આવતો હોવાનું જણાયું છે. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.

કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો

હેલ્થ પોઇન્ટ ફાર્મામાં હાથ ધરાયેલ તપાસ દરમિયાન તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવેલ હતો. પેઢીનો ખુલાસો સંતોષકારક ન જણાતા પેઢીનો દવા વેચાણનો પરવાનો રદ કરાયો છે.ફાર્માલિન લાઇફસાયન્સિસ ચાંગોદર,અમદાવાદ ગ્રામ્યમાં તપાસ દરમિયાન દવાઓના ખરીદ-વેચાણના બીલો તથા અન્ય ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. રેઇન રેમેડીઝ,સાંતેજમાં કોડીન ઘટક ધરાવતી દવાઓના ખરીદ-વેચાણ સંબંધિત બીલો તથા અન્ય રેકોર્ડની ચકાસણી કરવામાં આવી છે. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.

અનેક સ્થળો પર તપાસ

કેપિટલ ફાર્મા,વિસનગરમાં તપાસ દરમિયાન પેઢી મુખ્યત્વે કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપાર કરવામાં આવતો હોવાનું જણાયું છે.ખરીદ-વેચાણના બીલો તથા અન્ય ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. HRDM ગ્લોબલ સોલ્યુશન્સમાં તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સમાં તપાસ દરમિયાન કોડીન ઘટક ધરાવતી R Tuss TD Syrupની કુલ 57 બોટલ, MRP રૂ. 158/- પ્રતિ બોટલ, હાજર સ્ટોકમાં મળી આવી હતી. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 9,006/- થાય છે. જથ્થાને વધુ ઉપયોગ/વેચાણ ન થાય તે માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ખરીદ-વેચાણની વિગતોની ચકાસણી કરતાં પેઢી દ્વારા મુખ્યત્વે કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપાર કરવામાં આવતો હોવાનું જણાયું છે. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Gandhinagar News : વેપારીને 7 દિવસમાં 90 ટકા રિફંડ મળશે, ડિસ્કાઉન્ટને કરાર સાથે જોડવાની શરત દૂર કરાશે