android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News: કલોલ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ચાર્જશીટ બાદ માત્ર 72 કલાકમાં ટ્રાયલ ચલાવી પોક્સોના આરોપીને આજીવન કેદની સજા

calendar_todayAugust 27, 2026

Gandhinagar News: કલોલ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ચાર્જશીટ બાદ માત્ર 72 કલાકમાં ટ્રાયલ ચલાવી પોક્સોના આરોપીને આજીવન કેદની સજા

ગાંધીનગર જિલ્લાના કલોલની સેશન્સ કોર્ટે ન્યાયિક પ્રક્રિયામાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા એક અત્યંત ગંભીર ગુનામાં કોર્ટે પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરાયાના ગણતરીના દિવસોમાં જ, માત્ર 72 કલાકની અંદર કેસની સઘન ટ્રાયલ ચલાવીને આરોપીને દોષિત ઠેરવ્યો છે. સરકારી વકીલની ધારદાર દલીલો, સાક્ષીઓની જુબાની અને મજબૂત પુરાવા ધ્યાને રાખી કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

ગાંધીનગર તાલુકાના મોટી આદરજ ગામમાં રહેતો 42 વર્ષીય ભરતજી બચુજી ઠાકોર નામનો ઈસમ એક સગીરાને લલચાવી-ફોસલાવીને ગેરકાયદે દુષ્કર્મ આચરવાના ઈરાદે તારીખ 2 જૂન 2026 ના રોજ ભગાડી ગયો હતો. સગીરાના વાલી દ્વારા તેની ભારે શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન મળતાં આખરે તારીખ 12 જુલાઈ 2026 ના રોજ કલોલ તાલુકા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

હળવદથી પકડાયો આરોપી, પોલીસે ત્વરિત ચાર્જશીટ રજૂ કર્યું

ફરિયાદના આધારે તપાસમાં જોડાયેલી કલોલ પોલીસે ટેકનિકલ સપોર્ટથી આરોપી ભરતજી ઠાકોરને સગીરા સાથે તારીખ 3 ઓગસ્ટ 2026 ના રોજ મોરબીના હળવદ તાલુકાના એક ગામમાંથી ઝડપી પાડ્યો હતો. સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતાં પોલીસે કેસમાં પોક્સો એક્ટની ગંભીર કલમોનો ઉમેરો કર્યો હતો અને આરોપીને જેલહવાલે કર્યો હતો. પોલીસે કોઈ પણ વિલંબ વગર ગણતરીના દિવસોમાં જ કોર્ટમાં પાકા પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી દીધું હતું.

સંસ્કૃત શ્લોકના ઉલ્લેખ સાથે સંભળાવી આજીવન કેદની સજા

કલોલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતાં ન્યાયાધીશે સંસ્કૃતના શ્લોકનો ઉલ્લેખ કરીને સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપી ભરતજી ઠાકોરને તેના છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત આરોપીને રૂ. 2,00,000નો રોકડ દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

ભોગ બનનાર સગીરાને રૂ. 3 લાખનું વળતર આપવા હુકમ

ન્યાયમૂર્તિએ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પીડિતાના પુનર્વસન માટે પણ મહત્વનો આદેશ કર્યો છે. કોર્ટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ગાંધીનગરને ભોગ બનનાર સગીરાને રૂ. 3,00,000નું વળતર ચુકવવા આદેશ આપ્યો છે. માત્ર 72 કલાકમાં ચાલયેલી ટ્રાયલ અને કડક સજાના આ ચુકાદાથી અસામાજિક અને વિષયાસક્ત તત્વોમાં ભારે ફાળ પડી છે.


આ પણ વાંચો - Morbiના બ્રાહ્મણી ડેમ-2ના 3 દરવાજા ખોલાયા: નદીમાં 6000 ક્યુસેક પાણી છોડાતાં હેઠવાસના 11 ગામોને કરાયા એલર્ટ