android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gir Gadhadaના નગડીયા પાસે હીટ એન્ડ રનની ઘટના, અજાણ્યા કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બેના કરુણ મોત

calendar_todayJune 4, 2026

Gir Gadhadaના નગડીયા પાસે હીટ એન્ડ રનની ઘટના, અજાણ્યા કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બેના કરુણ મોત

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાંથી એક અત્યંત આઘાતજનક અને અરેરાટીભરી હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. નગડીયા ગામ પાસે એક અજાણ્યા કાર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકોના કરુણ મોત નીપજ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક વાહન સહિત ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ હીટ એન્ડ રનની ઘટનામાં બેના મોત

ગીર ગઢડા તાલુકાના નગડીયા ગામ પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર મયુરભાઈ અને સિરાજભાઈ નામના બે યુવકો નોકરી કરતા હતા. બંને મિત્રો પેટ્રોલ પંપ પરથી પોતાની નોકરીની શિફ્ટ પૂરી કરીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પરથી પસાર થતી એક પૂરપાટ ઝડપે આવતી અજાણ્યા કારના ચાલકે તેમના બાઇકને અડફેટે લીધું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇકનો કુરચો બોલી ગયો હતો અને બંને યુવકો રોડ પર ફગાયા હતા.

એકનું ઘટનાસ્થળે તો બીજાનું સારવાર દરમિયાન મોત

આ ભયાનક અકસ્માતમાં મયુરભાઈને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા સિરાજભાઈને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચેની લડાઈ લડ્યા બાદ ટૂંકી સારવાર દરમિયાન સિરાજભાઈએ પણ દમ તોડી દેતા આ અકસ્માતમાં કુલ મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. બે આશાસ્પદ યુવકોના મોતના પગલે પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે.

પોલીસે કાર ચાલક વિરુદ્ધ તપાસ કરી તેજ

ઘટનાની ગંભીરતાને પગલે ઉના વિભાગના ડીવાયએસપી (DySP) સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસે બંને મૃતક યુવકોના વતન અને પરિવારને જાણ કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ગીર ગઢડા પોલીસે આ મામલે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ હીટ એન્ડ રનનો ગુનો નોંધી, આસપાસના સીસીટીવી ફૂટેજ અને કડીઓના આધારે નાસી છૂટેલા કાર ચાલકને વહેલી તકે ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો