calendar_todayOctober 11, 2026
Gir somnath : પરંપરાગત ખેતીથી હટીને ખેડૂતનીનવતર પહેલઃ પાંચ વીઘામાં કોઠીબાનું વાવેતર
આજના સમયમાં જ્યારે મોટાભાગના ખેડૂતો ચીલાચાલુ પાકો પર નિર્ભર રહે છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સામતેર ગામના પ્રગતિશીલ ખેડૂત ભીમભાઈ ગોહીલે પાંચ વીઘા જમીનમાં લીલા કોઠીબા (કોઠીમડા)ની પદ્ધતિસરની ખેતી કરીને પહેલ કરી છે. સામાન્ય રીતે બજારમાં લીલા કોઠીબાની આવક ખૂબ મર્યાદિત હોય છે, પરંતુ ખેડૂતના આ નવતર પ્રયોગથી લોકોને ગુણવત્તાયુક્ત લીલા કોઠીબા સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યા છે. લોકો આ કોઠીબા હોંશે-હોંશે ખરીદીને ઘરે તેના નાના ટુકડા કરી, મીઠું-મસાલો મેળવી સુકવણી કરે છે અને સ્વાદિષ્ટ 'કોઠીબાની કાચરી' બનાવે છે. આ કાચરી આખું વર્ષ સંગ્રહી શકાય છે અને લોકો બારેમાસ તળીને કે નાસ્તા તરીકે તેનો સ્વાદ માણે છે.આ વિશિષ્ટ ખેતી અંગે ભીમભાઈના પુત્ર સંજયભાઈ જણાવે છે કે, આ ખેતીમાં ભલે અઢળક નફો ન હોય, પરંતુ તેમનો મુખ્ય ઉદ્દેશ લોકોના આરોગ્યની જાળવણી અને નવી પેઢી સુધી આ દેશી સ્વાદ પહોંચાડવાનો છે. આજની યુવા પેઢી પરંપરાગત કોઠીમડા અને તેની પૌષ્ટિક કાચરીનું મહત્વ ભૂલી ન જાય તે માટે તેમણે આ સાહસિક પ્રયોગ કર્યો છે. આયુર્વેદ અનુસાર કોઠીબા પેટના રોગો, પાચન અને બ્લડ શુગર નિયંત્રણમાં અત્યંત ગુણકારી સાબિત થાય છે. ભરપૂર ફાઈબર ધરાવતું હોવાથી કબજિયાત, ગેસ, અપચો અને પેટ ફૂલવાની સમસ્યામાં કુદરતી રાહત આપે છે. તેમજ કુદરતી પોષક તત્વો શરીરમાં ગ્લુકોઝ લેવલને સંતુલિત રાખવામાં મદદરૂપ બને છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો