android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gir Somnath: થોરડી ગામે કેળાના બગીચામાં કામ કરતા કાકા-ભત્રીજા સહિત 3 લોકો પર દીપડાનો હુમલો

calendar_todayJune 13, 2026

Gir Somnath: થોરડી ગામે કેળાના બગીચામાં કામ કરતા કાકા-ભત્રીજા સહિત 3 લોકો પર દીપડાનો હુમલો

ગીર સોમનાથ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં અવારનવાર સિંહો અને દીપડાઓ શિકારની શોધમાં આવી ચઢતા હોય છે. પરંતુ ગીરગઢડાના થોરડી ગામે દીપડાએ જે રીતે માનવીઓ પર હિંસક હુમલા કરવાનું શરૂ કર્યું છે, તેનાથી ગ્રામજનોમાં ભારે રોષ અને ફફડાટ છે. વાડી વિસ્તારમાં બપોરના સમયે જ્યારે ખેડૂતો પોતાના દૈનિક કામમાં વ્યસ્ત હતા, ત્યારે ઘાત લગાવીને બેઠેલા દીપડાએ લોહીલુહાણ હુમલો કર્યો હતો.

કેળાની વાડીમાં કાકા-ભત્રીજા પર ત્રાટક્યો કાળ

મળતી માહિતી મુજબ, થોરડી ગામની સીમમાં આવેલા કેળાના એક ઘટાદાર બગીચામાં સગા કાકા અને ભત્રીજા ખેતીકામ તેમજ કેળાના લૂમ ઉતારવાનું કામ કરી રહ્યા હતા. કેળાના મોટા પાંદડાઓની આડમાં છુપાયેલો દીપડો અચાનક નખ અને દાંત વડે કાકા-ભત્રીજા પર તૂટી પડ્યો હતો. બંનેએ બચવા માટે પ્રતિકાર કર્યો અને બૂમાબૂમ કરી મૂકી હતી. આ અવાજ સાંભળીને બાજુની વાડીમાં કામ કરી રહેલા અન્ય એક ખેડૂત દોડીને આવ્યા હતા. જોકે, ગુસ્સે ભરાયેલા દીપડાએ તે ખેડૂતને પણ ન છોડતા તેમના પર પણ હિંસક હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

પાંજરૂ મુકવા છતાં વન વિભાગની પકડથી દૂર

ઘટનાને પગલે આસપાસના અન્ય વાડી માલિકો લાકડીઓ લઈને દોડી આવતા દીપડો કેળાના વાવેતરમાં ગાયબ થઈ ગયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ત્રણેય ઇજાગ્રસ્તોને ગીરગઢડાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. ઘટનાની જાણ વન વિભાગને કરાતા સ્ટાફ પાંજરૂ લઈને ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વન કર્મચારીઓએ દીપડાને પકડવા માટે વાડીના એક્ઝિટ પોઇન્ટ પર મારણ સાથેનું પાંજરૂ ગોઠવ્યું હતું, પરંતુ શાતિર દીપડો પાંજરાની નજીક આવ્યા બાદ અંદર ગયા વિના જ જંગલ તરફ અથવા અન્ય ગુપ્ત લોકેશન પર નાસી છૂટ્યો હતો. વન વિભાગની ટીમો હાલ પગમાર્કના આધારે દીપડાનું લોકેશન ટ્રેસ કરીને તેને વહેલી તકે પાંજરે પૂરવા માટે કવાયત ચલાવી રહી છે.

આ પણ વાંચો: Surendranagar: વઢવાણમાં રાજાશાહી સમયના કૂવાને નુકસાન, વિરાસતને મૂળ સ્વરૂપે પુનઃ સ્થાપિત કરવા સ્થાનિકોનું અલ્ટીમેટમ