calendar_todaySeptember 12, 2026
Gir somnath :તાલાલા સરકારી હોસ્પિટલની ઉત્કૃષ્ટ કામગીરી માત્ર 48 કલાકમાં 13 સગર્ભાઓની સફળ પ્રસૂતિ
તાલાલા પંથકના 45 જેટલા ગામોના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થયેલી તાલાલાની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં સતત ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તાજેતરમાં હોસ્પિટલના તબીબો અને સ્ટાફ્ની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે માત્ર બે જ દિવસમાં 13 સગર્ભા મહિલાઓની સફ્ળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.
હોસ્પિટલના તબીબ ડો. આશિષ માકડીયાએ આપેલી માહિતી અનુસાર, છેલ્લા 48 કલાકમાં તાલાલા પંથક ઉપરાંત સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના વિવિધ ગામોમાંથી 13 સગર્ભા મહિલાઓ પ્રસૂતિ માટે અહીં દાખલ થઈ હતી. તબીબો અને નર્સિંગ સ્ટાફ્ની મહેનતથી આ તમામ 13 મહિલાઓની સફ્ળતાપૂર્વક ડિલિવરી કરાવવામાં આવી હતી. આ પ્રક્રિયામાં 5 કેસમાં સિઝેરિયન કરવામાં આવ્યું હતું, જ્યારે 8 કેસમાં નોર્મલ પ્રસૂતિ કરાવવામાં સફ્ળતા મળી હતી.
આ પ્રસૂતિઓ દરમિયાન 4 માતાઓએ દીકરાને અને 9 માતાઓએ દીકરીને જન્મ આપતાં સમગ્ર હોસ્પિટલ પરિસર નવજાત શિશુઓની કિલકારીઓથી ગુંજી ઊઠયું હતું. ડોક્ટરના જણાવ્યા મુજબ હાલમાં તમામ માતાઓ અને તેમના બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ છે. હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવેલી આ ઉત્તમ આરોગ્ય સેવા બદલ દર્દીઓના પરિવારજનોએ ડો. આશિષ માકડીયા તથા સમગ્ર નર્સિંગ સ્ટાફ્ની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો