calendar_todayOctober 9, 2026
Gir Somnath News: સૂત્રાપાડામાં અધતન એસટી બસ સ્ટેન્ડની માગ, વાહન વ્યવહાર મંત્રીને કરાઈ સત્તાવાર રજૂઆત!
ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા શહેરમાં અત્યાર સુધી કોઈ કાયમી અને આધુનિક સુવિધાઓથી સજ્જ એસટી બસ સ્ટેન્ડ ન હોવાથી સ્થાનિક નાગરિકો અને મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ગંભીર સમસ્યાને વાચા આપવા માટે ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય દિલીપસિંહ બારડ દ્વારા રાજ્યના વાહન વ્યવહાર મંત્રી સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે, જેમાં વહેલી તકે નવું અને અદ્યતન બસ સ્ટેન્ડ બનાવવા માગ કરાઈ છે.
હાલનું બસ સ્ટોપ મુસાફરોની સંખ્યા સામે અપૂરતું
સૂત્રાપાડા શહેરમાંથી દરરોજ હજારોની સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને શ્રમિકો એસટી બસ સેવાનો લાભ લે છે. હાલમાં જે એસટી સ્ટોપ આપવામાં આવ્યું છે, તે વધતા જતા મુસાફરોની સરખામણીએ અત્યંત નાનું અને અપૂરતું સાબિત થઈ રહ્યું છે. યોગ્ય સુવિધાઓના અભાવે મુસાફરોને ખુલ્લા આકાશ નીચે કે અસુવિધાઓ વચ્ચે ભારે હાલાકી ભોગવવી પડે છે.
મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ભાર
આ રજૂઆતમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, નવા આધુનિક બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા, શુદ્ધ પીવાનું પાણી, અને સ્વચ્છ શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ફરજિયાતપણે ઉપલબ્ધ કરાવવામાં આવે. વિશેષ કરીને મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગ મુસાફરોને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવા માટે તાત્કાલિક ધોરણે પગલાં ભરવા અપીલ કરાઈ છે.

ગ્રાન્ટ ફાળવીને નવું બસ સ્ટેન્ડ બનાવવા રજૂઆત
સૂત્રાપાડામાં આધુનિક એસટી બસ સ્ટેન્ડ નિર્માણ પામે તે માટે જરૂરી મંજૂરીઓ આપીને વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે. જો અહીં નવું બસ સ્ટેન્ડ અસ્તિત્વમાં આવશે, તો તેનાથી હજારો વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરોને મોટી રાહત મળશે અને અવરજવર વધુ સરળ બનશે.