calendar_todayFebruary 25, 2026
Gir Somnath News: ગાંગડા ગામે 30 વર્ષ જૂનું દબાણ હટાવાયું, 300 વીઘા ગૌચર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું!
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગાંગડા ગામે તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિંગ અને ગૌચર પરના દબાણ સામે લાલ આંખ કરવામાં આવી છે. વર્ષોથી સરકારી ગૌચરની જમીન પચાવી પાડી ખેતી કરતા દબાણકારો સામે કડક કાર્યવાહી કરી અંદાજે 300 વીઘા જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. 13 જેટલા બુલડોઝરોની મદદથી હાથ ધરાયેલી આ કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
30 વર્ષનો કબ્જો મિનિટોમાં સાફ
ગાંગડા ગામના સીમતળમાં આવેલી ગૌચરની જમીન પર છેલ્લા 25 થી 30 વર્ષથી દબાણકારોએ ગેરકાયદે કબ્જો જમાવ્યો હતો. આ જમીન પર માત્ર ખેતી જ નહીં, પરંતુ દુકાનો અને નાળિયેરી તેમજ આંબાના મોટા બાગ પણ બનાવી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા રામેશ્વર રોડ, ઊંટવાળા રોડ અને ગાંગડા સીમ વિસ્તારમાં સપાટો બોલાવી આ તમામ ગેરકાયદે બાંધકામ અને બાગાયતી પાકો પર બુલડોઝર ફેરવી દીધું છે.
ભારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી
કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઉના પોલીસ ઇન્સ્પેક્ટર, 2 PSI અને 40 થી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી હતી. ઉના તાલુકા પંચાયતનો સ્ટાફ અને મહેસૂલ વિભાગના અધિકારીઓની હાજરીમાં આશરે 300 વીઘા જમીન પરથી પેશકદમી દૂર કરવામાં આવી છે.
ગૌમાતા માટે જમીન પરત મળી
સ્થાનિક લોકો અને પશુપાલકોમાં આ કાર્યવાહીને પગલે આનંદની લાગણી જોવા મળી રહી છે. વર્ષોથી જે ગૌચર પર દબાણકારોનો ડોળો હતો, તે જમીન હવે ગૌવંશ માટે મુક્ત થઈ છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવાના સંકેત આપવામાં આવ્યા છે.