calendar_todayApril 27, 2026
વેઇટિંગ ટિકિટનું ટેન્શન ખતમ! જાણો GNWL, RLWL અને PQWL માંથી કઈ ટિકિટ સૌથી ઝડપથી કન્ફર્મ થાય છે
તમારી ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તેનો સીધો આધાર તમે કયા ક્વોટા હેઠળ ટિકિટ બુક કરી છે તેના પર રહેલો છે.
સૌથી વધુ પ્રાથમિકતા RAC અને GNWL
રેલ્વેમાં સૌથી પહેલા RAC (Reservation Against Cancellation) ટિકિટ ધારકોને બેસવા માટે અડધી સીટ ફાળવવામાં આવે છે, જે મુસાફરીની ખાતરી આપે છે. ત્યારબાદ, વેઇટિંગ લિસ્ટમાં GNWL (General Waiting List) ને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. આ યાદી તે મુસાફરો માટે હોય છે જેઓ ટ્રેનના રૂટના મુખ્ય મથક અથવા શરૂઆતના સ્ટેશનથી મુસાફરી શરૂ કરે છે. જ્યારે પણ કોઈ કન્ફર્મ ટિકિટ કેન્સલ થાય, ત્યારે સિસ્ટમ સૌથી પહેલા GNWL ના મુસાફરોને સીટ ફાળવે છે, જેના કારણે તેમાં કન્ફર્મેશનના ચાન્સ 80 થી 90 ટકા જેટલા સૌથી વધુ હોય છે.
મધ્યવર્તી સ્ટેશનો માટે RLWL અને PQWL
જો તમે ટ્રેનના રૂટના વચ્ચેના કોઈ મહત્વના સ્ટેશનથી મુસાફરી કરવાના હોવ, તો તમને RLWL (Remote Location Waiting List) મળે છે. આ ક્વોટામાં સીટોની સંખ્યા મર્યાદિત હોવાથી તેનું કન્ફર્મેશન GNWL જેટલું ઝડપી હોતું નથી. બીજી તરફ, PQWL (Pooled Quota Waiting List) સામાન્ય રીતે ટૂંકા અંતરના મુસાફરો અથવા નાના સ્ટેશનો માટે હોય છે. આ લિસ્ટમાં ટિકિટ ત્યારે જ કન્ફર્મ થાય છે જ્યારે તે ચોક્કસ પૂલ (જૂથ) માંથી કોઈ ટિકિટ રદ થાય, તેથી તેમાં જોખમ વધુ અને કન્ફર્મેશનની શક્યતા માત્ર 20 થી 30 ટકા હોય છે.
તત્કાલ અને અન્ય વેઇટિંગ લિસ્ટનું જોખમ
TQWL (Tatkal Waiting List) એ છેલ્લી ઘડીએ મુસાફરી કરનારાઓ માટે હોય છે. આ લિસ્ટમાં કન્ફર્મેશનની શક્યતા નહિવત્ હોય છે કારણ કે જો કોઈ તત્કાલ કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવે તો જ આ ટિકિટ કન્ફર્મ થાય છે. આમાં કોઈ 'સીટ શેરિંગ' (RAC) જેવી સુવિધા મળતી નથી. તેવી જ રીતે, RSWL (Roadside Station Waiting List) માં પણ કન્ફર્મેશનના ચાન્સ ખૂબ ઓછા હોય છે કારણ કે તે ટ્રેન શરૂ થતા સ્ટેશનની નજીકના નાના સ્ટેશનો માટે ફાળવવામાં આવે છે. જો ચાર્ટ બનવા સુધી આ ટિકિટો વેઇટિંગમાં રહે, તો તે આપોઆપ રદ થઈ શકે છે.