android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Godhraના હાલોલમાં ફૂટપાથ પરથી 5 મહિનાના બાળકનું અપહરણ: પોલીસે સતર્કતા દાખવી બાળકને ઉગાર્યું

calendar_todayJanuary 11, 2026

Godhraના હાલોલમાં ફૂટપાથ પરથી 5 મહિનાના બાળકનું અપહરણ: પોલીસે સતર્કતા દાખવી બાળકને ઉગાર્યું

પંચમહાલ જિલ્લાના હાલોલ-પાવાગઢ રોડ પરથી એક માસૂમ બાળકના અપહરણની ચોંકાવનારી ઘટના બની હતી. જોકે, હાલોલ પોલીસે સતર્કતા દાખવી ગણતરીના કલાકોમાં જ બાળકને હેમખેમ છોડાવી આરોપી દંપતીની ધરપકડ કરી લીધી છે. હાલોલ-પાવાગઢ રોડ પર ફૂટપાથ પર રહીને ગુજરાન ચલાવતો એક ગરીબ પરિવાર રાત્રિના સમયે સૂતો હતો. આ દરમિયાન અજાણ્યા શખ્સો તેમના પાંચ મહિનાના માસૂમ બાળકને ઉઠાવીને ફરાર થઈ ગયા હતા.

પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

સવારે જાગતા જ બાળક ગુમ જણાતા પરિવારે ભારે આક્રંદ મચાવ્યું હતું અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતા સમજીને હાલોલ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા મહત્વની કડીઓ મળી હતી. તપાસ દરમિયાન પોલીસને હાલોલ નજીક પનોરમા ચોકડી પાસેથી એક દંપતી મળી આવ્યું હતું, જેની પાસેથી અપહરણ કરાયેલું બાળક મળી આવ્યું હતું.

પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દંપતી નિઃસંતાન હતું. સંતાન સુખની ઘેલછામાં તેમણે ફૂટપાથ પર સૂતેલા પરિવારના બાળકનું અપહરણ કર્યું હતું. હાલ પોલીસે આ દંપતીની ધરપકડ કરી લીધી છે અને બાળકને તેના માતા-પિતાને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો