calendar_todayApril 30, 2026
Gujarat સરકારે ઔદ્યોગિક એકમોને 'સિંગલ ક્લિક'થી રૂપિયા 1,349 કરોડની સહાય ચૂકવી
ગુજરાત સરકારના ઉદ્યોગ અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોના વિભાગ દ્વારા રાજ્યના લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક રીતે નાણાકીય સહાય પહોંચાડવાના હેતુસર વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ, સુરત અંતર્ગત આજે (ગુરુવારે) સવારે 11 વાગ્યે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 'Single Click Payment Program'નું આયોજન કરવામાં આવ્યું હતું.
MSMEની વિવિધ યોજના હેઠળ 7,495 લાભાર્થીઓએ લાભ લીધો
આ કાર્યક્રમ અંતર્ગત ઉદ્યોગ અને MSME વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ કુલ 11,029 લાભાર્થીઓને રૂપિયા 1349.50 કરોડની રકમ ઈ-પેમેન્ટ મારફતે એક જ સમયે તેમના બેન્ક ખાતામાં સીધી જમા કરવામાં આવી હતી. જેમા મુખ્યત્વે MSMEની વિવિધ યોજના હેઠળ 7,495 લાભાર્થીઓને 299.75 કરોડ, ટેક્ષ્ટાઈલ યોજનામાં 3,423 લાભર્થીઓને 538.76 કરોડ તથા લાર્જ ઈન્ડસ્ટ્રીના 111 લાભાર્થીઓને 510.99 કરોડની સહાયનો સમાવેશ થાય છે.
સરકારે ઉત્પાદન વૃદ્ધિ અને રોજગારી સર્જન માટે સતત પ્રયત્નશીલ
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ ઔદ્યોગિક તથા MSME યોજનાઓના લાભાર્થીઓને સમયસર સહાય મળતી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ પ્રકારના કાર્યક્રમો દ્વારા ચુકવણી પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, સરળ અને ટેક્નોલોજી આધારિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
ગુજરાત સરકાર રાજ્યમાં ઉદ્યોગ વિકાસ, રોકાણ પ્રોત્સાહન, ઉત્પાદન વૃદ્ધિ અને રોજગારી સર્જન માટે સતત પ્રયત્નશીલ છે અને MSME ક્ષેત્રને વધુ સક્ષમ બનાવવા માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી રહી છે. આ 'સિંગલ ક્લિક પેમેન્ટ પ્રોગ્રામ' દ્વારા લાભાર્થીઓને સહાય રકમ ત્વરિત અને પારદર્શક રીતે પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો : Dwarka News: આરંભડામાં તંત્રનું બુલડોઝર, 1.34 કરોડની કિંમતની જમીન પરથી ધાર્મિક અને વાણિજ્યિક દબાણોનો સફાયો