calendar_todayMarch 9, 2026
Gujaratમાં ગરમીનો પ્રકોપ: અમદાવાદ અને ડીસામાં આકરી ગરમીનો અનુભવ, અનેક શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર
ગુજરાતમાં ઉનાળાએ સત્તાવાર રીતે તેના આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે. રાજ્યના 10થી વધુ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. ખાસ કરીને રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.6 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. અમદાવાદમાં પણ પારો 41 ડિગ્રીને પાર કરી ગયો છે, જ્યારે સરહદી વિસ્તાર ડીસામાં 41.1 ડિગ્રી અને કંડલા પોર્ટમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
બપોરના સમયે જનજીવન પ્રભાવિત
આકરા તડકા અને ગરમ પવનોને કારણે બપોરના સમયે રાજ્યના મુખ્ય માર્ગો પર 'કર્ફ્યુ' જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કેશોદમાં 40.8 ડિગ્રી અને સુરત તથા ગાંધીનગરમાં 40.6 ડિગ્રી તાપમાનને કારણે બપોરે કામ વગર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. અમરેલી, ભુજ અને વડોદરામાં પણ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેતા લોકો ગરમીથી બચવા ઠંડા પીણાં અને છાંયડાનો સહારો લઈ રહ્યા છે.
આરોગ્ય વિભાગની સાવચેતીની સલાહ
હીટવેવ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં ન જવા, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા અને સુતરાઉ કપડાં પહેરવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ પણ વધવાની શક્યતા હોવાથી ખેતી અને પશુપાલન ક્ષેત્રે પણ તકેદારી રાખવી જરૂરી બની છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો