android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Assembly: AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નિવેદન, આહારમાં ભેળસેળ કરનારને રાષ્ટ્રીય અપરાધી જાહેર કરો

calendar_todaySeptember 10, 2026

Gujarat Assembly: AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નિવેદન, આહારમાં ભેળસેળ કરનારને રાષ્ટ્રીય અપરાધી જાહેર કરો

ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા પશુ આહાર બીલ અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે પશુ આહારમાં ભેળસેળ કરનારાઓ સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, પશુ આહારમાં ભેળસેળ કરનાર તત્વોને રાષ્ટ્રીય અપરાધી જાહેર કરવા જોઈએ. કોઈ વ્યક્તિને ચાકુ મારવામાં આવે તો ત્વરિત સજા થાય છે, પરંતુ આહારમાં ભેળસેળના નામે પશુઓને ધીમું ઝેર આપનારાઓ સામે પણ એટલી જ સખત સજા થવી જોઈએ.

બીલમાં અશ્વના સમાવેશ અંગે ટાંકણ

ગોપાલ ઇટાલિયાએ બીલની ક્ષતિઓ તરફ ધ્યાન દોરતા ગૃહમાં રજૂઆત કરી હતી કે, સરકાર દ્વારા લાવવામાં આવેલા આ બીલમાં પશુઓની વ્યાખ્યા કરવામાં આવી છે, પરંતુ તેમાં અશ્વ એટલે કે ઘોડાનો કોઈ ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. તેમણે આ બીલમાં સુધારો કરીને તમામ પશુઓનો યોગ્ય સમાવેશ કરવાની રજૂઆત કરી હતી.

દુષ્કાળની સ્થિતિ અને ઘાસચારાની સમસ્યા પર રજૂઆત

બીલની સાથે સાથે તેમણે રાજ્યમાં પ્રવર્તતી દુષ્કાળની સ્થિતિ અને પશુપાલકોની મુશ્કેલીઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે સરકાર પાસે માગ કરી હતી કે, પશુપાલકોને સસ્તા દરે ગુણવત્તાયુક્ત ઘાસચારો પૂરો પાડવા માટે સરકારે ગંભીરતાથી વિચારણા કરવી જોઈએ.

વન વિસ્તારમાં ચરાણની મંજૂરી આપવા અપીલ

પશુપાલકોના હિતમાં વધુ એક મુદ્દો ઉઠાવતા ગોપાલ ઇટાલિયાએ માગ કરી હતી કે, પશુઓને વન વિસ્તારમાં ઘાસચારો ચરવા જવા માટે જરૂરી મંજૂરી આપવામાં આવે, જેથી મુશ્કેલ સમયમાં પશુપાલકો પોતાના માલઢોરનું યોગ્ય પોષણ કરી શકે.


આ પણ વાંચો: Gujarat Assembly session Live: ગુજરાત પશુધન આહાર વિધેયક સર્વાનુમતે પસાર, ઈતિહાસમાં પ્રથમવાર અધ્યક્ષ શંકર ચૌધરીએ બીલ પર ચર્ચામાં ભાગ લીધો