calendar_todayFebruary 17, 2026
Gujarat Budget 2026: પાણી પુરવઠાને લઇને વર્ષ 2025માં શું કરાઈ મહત્વની જાહેરાત
ગુજરાત સરકારના નાણામંત્રી કનુદેસાઇ દ્વારા આ વર્ષે છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. વર્ષ 2025માં પાણી પુરવઠાને લઇને મહત્વની જાહેરાત કરાઈ હતી. રાજ્યના આદિજાતિ વિસ્તારના 14 જીલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ ગામોમાં પાણી મળી રહે તે માટે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ પાણી પુરવઠો પૂરો પાડવા વિવિધ યોજનાની જાહેરાત કરાઈ હતી. જેમાં વિશેષ કરીને ડાંગ જીલ્લાના કુલ 276 ગામો તથા 3 શહેરોનો સમાવેશ કરાયો હતો. ડાંગ જીલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજીત ₹866 કરોડના કામો પ્રગતિ હેઠળ હોવાનો તંત્ર દ્વારા દાવો કરાયો.
સૌરાષ્ટ્રમાં વર્ષ 2025માં ₹1200 કરોડના કામોની જાહેરાત
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા તેમજ નર્મદા આધારિત માળિયા તથા વલ્લભીપુર બ્રાંચ કેનાલ ઉપરનો આધાર ઘટાડવા અંદાજીત ₹1200 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યુ હતું. ગતવર્ષે સૌરાષ્ટ્રમાં વર્ષ 2025 દરમિયાન પીવાના પાણીની સ્થિતિ મિશ્ર રહી છે. એક તરફ સારા ચોમાસાને કારણે જળાશયોમાં પાણીની આવક થઈ હતી, તો બીજી તરફ ઉનાળા દરમિયાન વિતરણ વ્યવસ્થા અને ભૂગર્ભ જળના સ્તરમાં ઘટાડા જેવા પડકારો જોવા મળ્યા છે.
સૌરાષ્ટ્રમાં પાણીની સ્થિતિ
વર્ષ 2025 માં સૌરાષ્ટ્રમાં સરેરાશ 93.55% જેટલો વરસાદ નોંધાયો છે. વર્ષ 2025 માં સૌરાષ્ટ્રમાં પાણીની સ્થિતિ અગાઉના વર્ષો કરતા સુધરી છે, મુખ્યત્વે નર્મદા કેનાલ અને 'સૌની યોજના' ને કારણે. નળ સે જલ યોજના હેઠળ વર્ષ 2025 સુધીમાં સૌરાષ્ટ્રના મોટાભાગના ગામોને પાઈપલાઈન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાના લક્ષ્યાંક પર કામગીરી તેજ કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પાઈપલાઈનમાં લીકેજને કારણે દૂષિત પાણી આવવાની ફરિયાદો પણ ઉઠી છે, જેના ઉકેલ માટે નવી લેબોરેટરીઓ સ્થાપવામાં આવી રહી છે. પાણી પુરવઠાની સમસ્યાઓના નિવારણ માટે 1916 ટોલ-ફ્રી હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી હતી.
આદિજાતિ વિસ્તારમાં ₹866 કરોડ જોગવાઈની જાહેરાત
આદિવાસી વિસ્તારના ડાંગ જીલ્લાના કુલ 276 ગામો તથા 3 શહેરોનો સમાવેશ કરતી ડાંગ જીલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજીત ₹866 કરોડના કામો પ્રગતિ હેઠળ હતા. ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારો માટે આશરે ₹866 કરોડના ખર્ચે સાકાર થઈ રહેલી 'જૂથ પાણી પુરવઠા યોજના' એ આ વિસ્તારની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટેનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ડાંગના ડુંગરાળ વિસ્તારોમાં ઉનાળા દરમિયાન સર્જાતી પાણીની તંગીને દૂર કરવાનો છે.
મુખ્ય ટ્રંક લાઇન અને વિતરણ નેટવર્કનું કામ પ્રગતિમાં
આ યોજના અંતર્ગત મુખ્યત્વે અંબિકા અને પૂર્ણા નદી પરના ચેકડેમ તથા જળાશયોમાંથી પાણી લેવાનું આયોજન છે. નદીઓમાંથી પાણી ઉપાડવા માટે જરૂરી ઇનટેક વેલની કામગીરી મોટાભાગે પૂર્ણતાના આરે છે. મુખ્ય ટ્રંક લાઇન અને વિતરણ નેટવર્કનું કામ પ્રગતિમાં છે. ડુંગરાળી જમીન હોવાથી પાણીને ઊંચાઈ પર ચઢાવવા માટે પમ્પિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આધુનિક ફિલ્ટરેશન પ્લાન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. પાણીની ગુણવત્તા ચકાસવા માટે લેબોરેટરીની પણ સુવિધા ઊભી કરાઈ છે.