android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Budget 2026 : આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹5425 કરોડની જોગવાઇ, જાણો વિગત

calendar_todayFebruary 18, 2026

Gujarat Budget 2026 : આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹5425 કરોડની જોગવાઇ, જાણો વિગત

આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹5425 કરોડની નોંધપાત્ર જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટ માત્ર આંકડાઓ સુધી સીમિત નથી, પરંતુ વનબંધુઓના જીવનમાં શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને આવાસના માધ્યમથી સાચો પરિવર્તન લાવવાનો સંકલ્પ દર્શાવે છે.

શિક્ષણને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું

આ બજેટમાં શિક્ષણને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે. આદિજાતિ વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈ અડચણ ન આવે તે માટે પ્રિ-મેટ્રિકથી લઈને પોસ્ટ-મેટ્રિક સુધી શિષ્યવૃત્તિની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. લાખો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય અને રહેણાંક સુવિધાઓ મળશે. આશ્રમ શાળાઓ, આદર્શ નિવાસી શાળાઓ, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ગર્લ્સ લિટરસી સ્કૂલ તેમજ સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોના સંચાલન અને બાંધકામ માટે મોટો ફંડ ફાળવાયો છે. પરિણામે આદિજાતિ વિસ્તારોના બાળકોને ગુણવત્તાપૂર્ણ અને સતત શિક્ષણ મળશે.

ઉચ્ચ શિક્ષણ અને વિશેષ સંસ્થાઓ

ઉચ્ચ શિક્ષણ અને વિશેષ સંસ્થાઓ માટે પણ સરકારનું ધ્યાન કેન્દ્રિત છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે બિરસામુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે ફંડ ફાળવવામાં આવ્યું છે, જેથી આદિજાતિ યુવાનોને તેમના પોતાના વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણની તક મળી રહે. સાથે સાથે સૈનિક શાળાઓ, મોડેલ શાળાઓ અને આધુનિક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાની દિશામાં પગલાં લેવામાં આવ્યા છે.

આદિજાતિ પરિવારોની આવક

આદિજાતિ પરિવારોની આવક વધારવા માટે ખેતી, પશુપાલન અને સ્વરોજગાર આધારિત યોજનાઓ માટે પણ વિશાળ જોગવાઈ કરવામાં આવી છે. વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના, આદિમજૂથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના, કૃષિ વૈવિધ્યકરણ, પ્રાકૃતિક ખેતી આધારિત વાડી સહાય અને સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ દ્વારા ખેડૂતોને સ્થિર આવક અને આર્થિક સુરક્ષા મળશે. આ યોજનાઓનો હેતુ માત્ર સહાય આપવાનો નથી, પરંતુ આદિજાતિ સમાજને આત્મનિર્ભર બનાવવાનો છે.

રોજગાર અને કૌશલ્ય વિકાસ

રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે યુવાનોને વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરો મારફતે તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ સ્થાનિક સ્તરે રોજગાર મેળવી શકે. સરહદી ગામોના વિકાસ માટે વિશેષ યોજના, તેમજ ન્યૂ ગુજરાત પેટર્ન અને દૂધ સંજીવની જેવી યોજનાઓ દ્વારા ગામડાંઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આરોગ્ય અને જીવનમાન સુધારવા

આરોગ્ય અને જીવનમાન સુધારવા માટે પણ બજેટમાં મહત્વપૂર્ણ જોગવાઈ છે. આદિજાતિ વિસ્તારોમાં તબીબોને હોસ્પિટલ, નર્સિંગ હોમ અને ડિસ્પેન્સરી શરૂ કરવા સહાય આપવામાં આવશે. વ્યક્તિગત આવાસ યોજના, સમરસ છાત્રાલય, મોબાઇલ કનેક્ટિવિટી માટે નવા ટાવરો અને કુંવરબાઈનું મામેરૂ જેવી યોજનાઓ આદિજાતિ પરિવારોના સામાજિક સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવશે. કુલ મળીને, આ ₹5425 કરોડનું બજેટ આદિજાતિ સમાજ માટે એક નવી દિશા ખોલે છે. શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને આધુનિક સુવિધાઓ દ્વારા વનબંધુઓના જીવનમાં દીર્ઘકાલીન અને સકારાત્મક બદલાવ લાવવાનો આ ગંભીર પ્રયાસ છે.

આ પણ વાંચો : Gujarat Budget 2026 : ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન માટે ₹500 કરોડની જોગવાઇ, જાણો વિગત