calendar_todayApril 30, 2026
Gujarat High Courtનો સપાટો: મહિલા અનામતનો 2018નો વિવાદાસ્પદ પરિપત્ર રદ, 7 વર્ષની લડત બાદ 3 દીકરીઓને મળશે સરકારી નોકરી
ગુજરાત હાઈકોર્ટે આજે રાજ્યની હજારો શિક્ષિત યુવતીઓના હિતમાં એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે મહિલા અનામત અંગેના વર્ષ 2018ના સરકારી પરિપત્રને રદ કરી દીધો છે. આ સાથે જ છેલ્લા 7 વર્ષથી ન્યાય માટે લડતી 3 દીકરીઓને સરકારી નોકરી આપવાનો સ્પષ્ટ આદેશ કર્યો છે.
શું હતો સમગ્ર મામલો?
ગાંધીનગર મહાનગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી દરમિયાન ઓપન મેરિટમાં વધુ માર્કસ હોવા છતાં, દલિત, આદિવાસી અને બક્ષીપંચ સમાજની 3 દીકરીઓની પસંદગી કરવામાં આવી ન હતી. તેમની જગ્યાએ ઓછા માર્કસ ધરાવતા ઉમેદવારોને નોકરી આપી દેવાઈ હતી. અરજદારના વકીલ કેવલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, "2018ના પરિપત્ર દ્વારા દીકરીઓને નોકરીથી વંચિત રાખવાનું જે ષડયંત્ર ઘડાયું હતું, તેના વિરુદ્ધ અમે ગાંધીનગરમાં ધરણા પણ કર્યા હતા."
હાઈકોર્ટનો કડક આદેશ
ન્યાયમૂર્તિએ આ મામલે ચુકાદો આપતા જણાવ્યું કે, આ 3 યુવતીઓને આગામી 6 અઠવાડિયામાં નિમણૂક પત્ર આપવામાં આવે. હાઈકોર્ટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ને 2 અઠવાડિયામાં ભલામણ કરવા અને રાજ્ય સરકારને 6 અઠવાડિયામાં પ્રોસેસ પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.
સીનિયોરિટીનો પણ લાભ મળશે
કોર્ટે માત્ર નોકરી જ નહીં, પરંતુ તેમની સીનિયોરિટી પણ મૂળ ભરતીની તારીખથી ગણવાનો મહત્વનો હુકમ કર્યો છે. આ ચુકાદાને કારણે જે તે સમયે પરિપત્રને લીધે અન્યાયનો ભોગ બનેલી તમામ મહિલા ઉમેદવારો માટે ન્યાયના દ્વાર ખુલ્યા છે. સાત વર્ષના લાંબા સંઘર્ષ બાદ મળેલી આ જીતથી આદિવાસી અને પછાત વર્ગની દીકરીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
આ પણ વાંચો---- Ahmedabad : 34 વર્ષ પછી કબરમાંથી બોલી લાશ, વટવાના જે મકાનને લોકો ભૂતિયુ માનતા હતા ત્યાંથી ખુલ્યું મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય!