calendar_todayJanuary 6, 2026
Gujarat News : 3691 આંગણવાડી બહેનોની તાલીમ સાથે શિક્ષિત અને સુપોષિત ગુજરાતનો સંકલ્પ
ગુજરાત સરકાર દ્વારા આઈ.સી.ડી.એસ યોજના હેઠળ રાજ્યની આંગણવાડીઓને વધુ સક્ષમ બનાવવાના હેતુથી નવનિયુક્ત 3,691 આંગણવાડી કાર્યકરો માટે આયોજિત બે દિવસીય તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં 9,000 થી વધુ બહેનોને નિમણૂક પત્રો અપાયા હતા, જે પૈકીના આ નવનિયુક્ત કાર્યકરો હવે રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ માટે સજ્જ થયા છે.
બે દિવસીય કાર્યક્રમમાં અપાઇ આ તાલીમ
આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડીઓને માત્ર પોષણ કેન્દ્ર નહીં, પણ એક સક્ષમ પ્રી-સ્કૂલ તરીકે વિકસાવવાનો છે. હવે કાર્યકરો આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ અને રમત-ગમત દ્વારા બાળકોને પાયાનું શિક્ષણ આપશે, જેથી બાળકોમાં શાળા પ્રત્યે રુચિ વધશે.
ડિજિટલ યુગ સાથે તાલ મિલાવવાની અપાઇ તાલીમ
ડિજિટલ યુગ સાથે તાલ મિલાવવા માટે કાર્યકરોને વિવિધ સરકારી એપ્લિકેશન અને મોડ્યુલની તાલીમ આપવામાં આવી છે. NNM કો-ઓર્ડીનેટર્સ અને નિષ્ણાંતો દ્વારા બાળકોની પ્રગતિ, કિશોરીઓની યોજનાઓ અને પોષણ સ્તરનું ડિજિટલ ટ્રેકિંગ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન અપાયું છે.
નિષ્ણાંતોઓએ આપ્યું માર્ગદર્શન
તાલીમ દરમિયાન માસ્ટર ટ્રેનર્સ, CDPO અને સુપરવાઈઝરો દ્વારા પોષણ સંગમ અને અન્ય યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, બાળકોના માનસિક અને સામાજિક વિકાસ માટે વિશેષ પ્રવૃત્તિઓના આયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યકરો પોતાની જવાબદારીઓ પ્રત્યે વધુ સજ્જ બન્યા
આ તાલીમ બાદ નવનિયુક્ત કાર્યકરો પોતાની જવાબદારીઓ પ્રત્યે વધુ સજ્જ બન્યા છે. ટેકનોલોજી અને આધુનિક શિક્ષણ પદ્ધતિના સમન્વયથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બાળકોના પોષણ સ્તરમાં સુધારો થશે. આ પહેલ 'વિકસિત ગુજરાત'ના સંકલ્પને સાકાર કરવામાં અને રાજ્યના ભાવિ પેઢીના પાયાને મજબૂત કરવામાં પથદર્શક સાબિત થશે.
આ પણ વાંચોઃ Gujarat News : મિશન ડેઇલી વૉટર, ગુજરાતના શહેરોમાં હવે નળથી જળનો નવો સૂર્યોદય