android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat News: જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓએ કરી વાઘની પજવણી, જુઓ વાયરલ થયેલો Video

calendar_todayJuly 13, 2026

Gujarat News: જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓએ કરી વાઘની પજવણી, જુઓ વાયરલ થયેલો Video

ગુજરાતમાં સિંહની પજવણીના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. ગેરકાયદે સિંહ દર્શન અંગેના પણ વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. ત્યારે હવે જૂનાગઢમાં સક્કરબાગ ઝૂમાં વન્ય જીવોની પજવણીનો વીડિયો વાયરલ થયો છે. વાઘના પાંજરામાં કપડું નાંખીને પજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. વન્ય જીવોની સુરક્ષાને લઈને તંત્ર સામે ગંભીર સવાલો ઉભા થયાં છે. સુરક્ષા તંત્રએ વાયરલ વીડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.  

જુઓ વાઘની પજવણીનો વાયરલ થયેલો વીડિયો



જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં વન્યજીવોની પજવણી

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં વન્યજીવોની સુરક્ષા અને તંત્રની બેદરકારી દર્શાવતો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.આ વાયરલ વીડિયોમાં કેટલાક પ્રવાસીઓ દ્વારા ખુલ્લેઆમ વાઘને હેરાન કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે,સક્કરબાગ ઝૂની મુલાકાતે આવેલા કેટલાક પ્રવાસીઓ દ્વારા વાઘના પિંજરામાં કપડું ફેંકવામાં આવ્યું હતું.આ કપડું ફેંકીને પ્રવાસીઓ વાઘને હેરાનગતિ પહોંચાડી રહ્યા હતા અને તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.પ્રવાસીઓ દ્વારા કરવામાં આવેલી આ અણછાજતી કરતૂતનો વીડિયો ત્યાં હાજર અન્ય કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધો હતો. જે હવે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો

સક્કરબાગ ઝૂમાં વન્યજીવોની પજવણીની આ કોઈ પ્રથમ ઘટના નથી.અગાઉ પણ પ્રવાસીઓ દ્વારા અહીં અબોલ વન્ય પ્રાણીઓને હેરાન કરવામાં આવ્યા હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે ઝૂ સત્તાધીશોની સુરક્ષા વ્યવસ્થા અને સિક્યોરિટી ગાર્ડની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વન્યજીવોના આવાસમાં આ પ્રકારે ખલેલ પહોંચાડવી કે તેમને નુકસાન કરવું એ કાયદાકીય ગુનો હોવા છતાં પ્રવાસીઓ બેફામ બન્યા છે.આ ચકચારી ઘટનાનો વીડિયો વાયરલ થતાં તંત્ર એક્શનમાં આવ્યું છે. વાયરલ વીડિયોના આધારે અને ઝૂમાં લાગેલા સીસીટીવી ફૂટેજની મદદથી વાઘની પજવણી કરનારા શખ્સોની ઓળખ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.