calendar_todaySeptember 12, 2026
Gujarat Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગમાં સાર્વત્રિક વરસાદ, સુબીરમાં નોંધાયો 44 મિમી વરસાદ
ડાંગ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સવારથી જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. સવારના સમયથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીના 8 કલાકના સમયગાળા દરમિયાન ડાંગના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર પંથકના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.

સુબીરમાં 44 મિમી તો આહવામાં 23 મિમી વરસાદ
બપોરના ૨ વાગ્યા સુધીના સરકારી આંકડા અનુસાર ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સૌથી વધુ 44 મિમી (પોણા બે ઈંચ) વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જિલ્લા મથક આહવામાં 23 મિમી, ગિરીમથક સાપુતારામાં 16 મિમી અને વઘઈ તાલુકામાં 5 મિમી વરસાદ નોંધાયો હતો. સુબીર પંથકમાં મુશળધાર વરસાદ વરસાતા સ્થાનિક કોઝવે અને નાળાઓમાં પાણીની આવક જોવા મળી હતી.

ગિરીમથક સાપુતારામાં પ્રવાસીઓમાં આનંદ
ડાંગના પહાડી વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેતાં સમગ્ર ડાંગનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે વરસાદ અને ધુમ્મસભર્યા વાતાવરણના કારણે અદ્ભુત નજારો સર્જાયો હતો. વરસાદી છાંટા અને ઠંડા પવન વચ્ચે પ્રવાસીઓ તથા સ્થાનિક નાગરિકોએ રમણીય વાતાવરણની મજા માણી હતી અને બફારામાંથી મોટી રાહત મેળવી હતી.