calendar_todayFebruary 18, 2026
Gujarat Sports Budget 2026 : અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે
નાણાં મંત્રીએ કહ્યું કે વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યને પૂર્ણ કરવા અમારી સરકાર અતિ મહત્વપૂર્ણ પ્રોજેકટ પર કામ કરી રહી છે. જે તરફ ગૃહનું સવિશેષ ધ્યાન દોરું છું. જેમાં;
કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ
રાજ્યના વિવિધ જળાશયો અને નહેરોની જળસપાટીનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન છે. જેના માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ કરું છું. આત્મનિર્ભર ભારતની પહેલને સાકાર કરવા રાજ્ય પાસે સંગ્રહિત પરંતુ હાલમાં વણવપરાયેલ વિપુલ ખનીજ સંસાધનો અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મેળવવામાં આવશે. જે પૈકી અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર-લેડ-ઝીંક ખાણ બનશે. જે આયાતની નિર્ભરતા ઘટાડશે. આ માટે ₹૬૧૩ કરોડની જોગવાઇ કરું છું. તેમજ અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્પાદન કરવાનું આયોજન છે. જેનાથી પ્રદૂષણની સમસ્યાઓને હલ કરવામાં મદદ મળશે. જેના માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરકારી સેવાઓ ઝડપથી મળશે
Gujarat Unified Digital Stackની પહેલ દ્વારા રાજ્યના નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરકારી સેવાઓ ઝડપથી મળશે. જેમાં અલગ અલગ સેવાઓ માટે પૂરા પાડવાના થતાં દસ્તાવેજોનું પુનરાવર્તન ઘટવાથી સમય અને ખર્ચનો બચાવ થશે. જેના માટે ₹૧૦૦ કરોડનું આયોજન છે.
ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન
રાજ્યની વીજ વિતરણ કંપનીઓની કાર્યક્ષમતાને ધ્યાને લઇ ૧૬મા નાણાપંચે પોતાના અહેવાલમાં ગુજરાત વીજ વ્યવસ્થાને સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ ગણાવી છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા “ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન” અંતર્ગત ₹૫૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
અત્યાધુનિક એલિવેટેડ કેબલ નેટવર્ક
રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ સરહદી વિસ્તારમાં ઓવરહેડ લાઈનના માળખાને અત્યાધુનિક એલિવેટેડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ કરું છું. ભૂકંપ, પૂર અને વાવાઝોડા જેવી આપત્તિઓની અસર ઘટાડવા માટે State Disaster Mitigation Fundની વ્યવસ્થા કરેલ છે. જેના માટે ₹૧૮૫૫ કરોડનું આયોજન છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં વધારો
રાજ્યની ૪૮% થી વધુ વસ્તી શહેરોમાં વસે છે. આજે ઉદ્યોગ, વેપાર અને સેવાક્ષેત્રના વિસ્તરણથી શહેરો ઝડપથી વિકસી રહ્યાં છે. આવાસ યોજના, સ્માર્ટ સીટી અને માળખાકીય સુવિધાઓથી શહેરી વિસ્તારનો વ્યાપ વધ્યો છે અને પરિવહન, સંચાર અને ડિજિટલ સુવિધાઓના વિકાસથી શહેરો જોડાયા છે. નાગરિક સેવાઓને વિશ્વસ્તરીય બનાવવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાલની જોગવાઇમાં લગભગ ૧૭% જેટલો વધારો કરી ₹૧૬ હજાર ૧૧૬ કરોડની જોગવાઇ કરું છું.
પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે.
રાહદારીઓની પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરી સુલભ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા શહેરો અને નગરપાલિકાઓમાં ₹૧૦૦ કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કીંગ બનાવવાનું આયોજન છે. રાજ્યમાં આવેલ મોટા શહેરો પરનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. જેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસરના વિકાસનું આયોજન છે. જેને રીજનલ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે.
અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે
ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાનીથી રાજ્યની વૈશ્વિક ઓળખમાં વધારો થયો છે. જેનાથી રમતગમત, પ્રવાસન, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને અન્ય સેવા ક્ષેત્રોમાં રોકાણ વધવાથી રોજગારીની વિશાળ તકો સર્જાશે. તેમજ આધુનિક સ્ટેડિયમ, માર્ગ, મેટ્રો અને શહેરી સુવિધાઓથી સજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લાંબાગાળા માટે નિર્માણ થશે. આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ના આયોજન માટે અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. જેના માટે કુલ ₹૧૨૭૮ કરોડની જોગવાઇ સૂચવું છું.