calendar_todaySeptember 7, 2026
Gujarati Singer કિંજલ રબારી અપહરણ મામલો: રાધનપુરના PSI પર હુમલા બાદ સિનાડ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું!
અમદાવાદના સીબીડી (CBD) મોલ ખાતેથી ગુજરાતની જાણીતી લોક ગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ થવાની હાઈપ્રોફાઈલ ઘટના સામે આવતા સમગ્ર પાટણ જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ચકચારી બનાવને પગલે કિંજલ રબારીના વતન રાધનપુર તાલુકાના સિનાડ ગામે શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક મોરચો સંભાળ્યો છે.
સ્થાનિકો સાથે ઝપાઝપી અને PSI પર હુમલો
બંદોબસ્ત દરમિયાન સિનાડ ગામે આવેલા લાખણેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જઈ રહેલા લોકોને પોલીસે રોકતા પરિસ્થિતિ વણસી હતી. ગામ લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો હતો, જેમાં ઉશ્કેરાયેલા ટોળાએ રાધનપુરના પીએસઆઈ (PSI) એચ.વી. ચૌધરી પર હુમલો કરી દીધો હતો. આ હિંસક ઝપાઝપીમાં પીએસઆઈ ચૌધરીને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેના પગલે ગામમાં તણાવ વધુ વધી ગયો હતો.
ગામમાં પોલીસ છાવણી અને કાયદાકીય કડક કાર્યવાહી

ઘટનાની ગંભીરતાને જોતાં પાટણ એલસીબી (LCB) અને એસઓજી (SOG) સહિતનો વધારાનો પોલીસ કાફલો સ્થળ પર ઉતારી દેવામાં આવ્યો છે અને સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા અને શાંતિ જાળવવા માટે સંદેશ ન્યૂઝની ટીમ પણ સ્થળ પર પહોંચી છે. બીજી તરફ, પોલીસ અધિકારી પર હુમલો કરનારા અને કાયદો હાથમાં લેનારા અસામાજિક તત્વો સામે ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
