calendar_todaySeptember 4, 2026
Halvad: 18 વર્ષની ગૌરવભરી દેશસેવા પૂર્ણ કરી મયુરનગર પરત ફરેલા જવાનનું ગ્રામ્યજનો દ્વારા ભવ્ય સ્વાગત
મયુરનગર ગામનું ગૌરવ એવા અશ્વિનભાઈ દેવદાનભાઈ લોખીલ ભારતીય સેનામાં 18 વર્ષ સુધી માતૃભૂમિની રક્ષા કરી તારીખ 31/08/2026 ના રોજ નિવૃત્ત થતા તેઓ પોતાના વતન મયુરનગર પરત ફરતા ગ્રામજનો, યુવાનો, મિત્રો અને વડીલો દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમનું ભવ્ય શોભાયાત્રા સાથે સન્માન કરવામાં આવ્યું હતું.
રાયસંગપુરથી મયુરનગર સુધી કાર અને બાઇકની ભવ્ય રેલી સ્વરૂપે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મયુરનગર ગામમાં પ્રવેશની સાથે જ બાળાઓએ કુમકુમ તિલક કરી આર્મી જવાનનું હર્ષોલ્લાસભેર સ્વાગત કર્યું હતું. ગામમાં પ્રવેશ્યા બાદ અશ્વિનભાઈએ ગામના તમામ મંદિરોના દર્શન કરી મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ રામાપીરના મંદિરે તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. અહીં તેમના પરિવારજનો, મિત્રમંડળ, સગા-સંબંધીઓ અને તમામ ગ્રામજનોએ શાલ આપીને તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું. આ ગૌરવવંતા પ્રસંગે પોતાના વક્તવ્યમાં અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, મારૂં નિવૃત્ત જીવન હજુ પણ દેશસેવા અને સમાજસેવા માટે સમર્પિત રહેશે. તેમણે સમાજના યુવાનોને નોકરી અને કારકિર્દી અંગે સારામાં સારી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવાનો સંકલ્પ લીધો હતો. આ સન્માન કાર્યક્રમમાંસરપંચ ભાવેશભાઈ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ સવાભાઈ ડાંગર, રામામંડળના તમામ સભ્યો સહિત તમામ સગા-વાલા અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફ્ળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અને આભારવિધિ મનુભાઈ પી હુમલે કરી હતી કાર્યક્રમ દરમિયાન વંદે માતરમ, ભારત માતા કી જય અને જય મુરલીધરના નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો